અમદાવાદના રિવરફ્રન્ટ પર રવિવાર, 26મી ઓક્ટોબરે યોજાનાર ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો હવે યોજાશે નહીં. અંતિમ ક્ષણે આયોજકો દ્વારા આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ એર શો યોજાશે.
ભારતીય વાયુસેના દ્વારા ગુજરાતમાં બે સ્થળોએ ‘સૂર્યકિરણ’ એર શો યોજવાની યોજના બનાવાઈ હતી. 24મી ઓક્ટોબરે મહેસાણામાં સફળતાપૂર્વક એર શો યોજાયો હતો, જ્યારે 26મી ઓક્ટોબરે અમદાવાદમાં તેનો કાર્યક્રમ નક્કી હતો. પરંતુ ટેક્નિકલ અને આયોજન સંબંધિત કારણોસર હવે અમદાવાદનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
મહેસાણામાં યોજાયેલા એર શોમાં હજારો લોકોએ હાજરી આપી હતી. લોકો હાઇવેની બંને બાજુ, ઈમારતોના ધાબા અને ખાલી મેદાનોમાંથી વાયુસેનાના વિમાનોના શાનદાર કરતબો નિહાળતા જોવા મળ્યા હતા. ઘણા પરિવારો બાળકોને ખભા પર બેસાડી એર શોનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
મહેસાણાના એરોડ્રોમ ખાતે 24મી ઓક્ટોબરની સવારે 9 વાગ્યે શરૂ થયેલા એર શોમાં ‘સૂર્યકિરણ’ ટીમે 9 હોક MK 132 વિમાન સાથે આકાશમાં આશરે 5 મીટરથી પણ ઓછા અંતરે અદભુત ફોર્મેશન ફ્લાઈટ અને જોખમી સ્ટન્ટ્સ કરીને દર્શકોની પ્રશંસા મેળવી હતી.
‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમની સ્થાપના 1996માં ભારતીય વાયુસેનામાં કરવામાં આવી હતી. શરૂઆતમાં ટીમ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના HT-16 કિરણ જેટ વિમાનનો ઉપયોગ કરતી હતી. વર્ષ 2015થી ટીમ હોક માર્ક M-132 જેટ વિમાનનો ઉપયોગ કરી રહી છે. આ ટીમ વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ભાગ છે અને અત્યાર સુધી 900થી વધુ એર શોમાં ભાગ લઈ ચૂકી છે.
ટીમમાં કુલ 13 પાઇલટ્સ હોય છે જેમાં નવ ફાઇટર પાઇલટ્સ એકસાથે ઉડાન ભરે છે. દરેક પાઇલટ અનુભવી ઉડાન ઇન્સ્ટ્રક્ટર હોય છે અને બે થી ત્રણ વર્ષ માટે આ ટીમમાં નિયુક્ત થાય છે.
હવે તમામની નજર 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાનાર આગામી ‘સૂર્યકિરણ’ એર શો પર છે, જ્યાં વાયુસેના ફરી એકવાર આકાશમાં શૌર્ય અને કુશળતાનું પ્રદર્શન કરશે.




















