સુરત શહેરમાં પોલીસ વિરુદ્ધ કરાયેલા ગંભીર આક્ષેપોની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આશિકલી ઉર્ફે જુલી અવીતો સેમાહ નામની યુવતીએ ડુમસ પોલીસ મથકે અરજી આપી હતી કે PCR વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમે દારૂનો કેસ ન કરવા માટે રૂપિયા માંગ્યા અને શારીરિક અડપલા કર્યા.
યુવતીના આક્ષેપો સંપૂર્ણપણે પાયા વિહોણા
આ ગંભીર આક્ષેપો બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુવતીના આક્ષેપો સંપૂર્ણપણે પાયા વિહોણા અને ખોટા હતા.
ઈરાદાથી યુવતીએ ખોટી વાર્તા ઘડી
તપાસમાં વધુમાં ખુલ્યું કે યુવતીના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવા માટે પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી યુવતીએ ખોટી વાર્તા ઘડી હતી.
યુવતી સાથે અન્ય બે લોકો પણ સંડોવણી
આ ષડયંત્રમાં યુવતી સાથે અન્ય બે લોકો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ત્રણેય સામે પોલીસ દળની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ખોટા આક્ષેપો કરવાના ગુનામાં કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે ખોટા આક્ષેપો કરીને કાયદા રક્ષક તંત્રને બદનામ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને આવા કેસોમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.
અટકાયત કરાયેલા આરોપીઓના નામ
સુનિલ ઉર્ફે ગોટું કંચનભાઈ કંથારીયા
આશિકલી ઉર્ફે જુલી અવીતો સેમાહ
સરફરાજ ઉર્ફે રોકી




















