જેતપુર શહેરમાં દીપાવલીની ઉજવણીને પગલે રોટરી ક્લબ દ્વારા ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિવિધ રમૂજી રાઈડ્સ શરૂ કરવામાં આવી હતી, જેમાં “બ્રેક ડાન્સ” નામની રાઈડની અચાનક મોટી દુર્ઘટના બની હતી. રાઈડ ચાલી રહી હતી તે દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે લોખંડનો ભાગ તૂટી જવાથી રાઈડનો એક ભાગ ધરાશાયી થયો હતો.
દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ ઘટનામાં રાઈડમાં બેસેલા ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક રીતે મેળા સંચાલકો અને સ્થાનિક લોકો દોડીને પહોંચ્યા હતા અને ઘાયલ દંપતીને તરત જ જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસ હાથધરી
દુર્ઘટના બાદ રોટરી ક્લબના ફનફેર આયોજકો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. હાલ જેતપુર સિટી પોલીસે સ્થળ પર પહોંચી ફનફેર મેળો બંધ કરાવી દીધો છે અને રાઈડના સંચાલનમાં થયેલી બેદરકારી અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લોકોમાં ભયનો માહોલ
પ્રાથમિક માહિતી મુજબ રાઈડના યોગ્ય મેન્ટેનન્સ અને સુરક્ષા ચકાસણીમાં બેદરકારી રાખવામાં આવી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને મેળામાં આવેલા અન્ય લોકોમાં પણ ભયનું માહોલ સર્જાયો છે.




















