રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયાં સ્થળોએ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3 નંબર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં LCS-3 નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આજે 25 ઓકટોબરના રોજ સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ સાથે મોજા જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે કારણ કે પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. આ સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરવામાં આવ્યા છે.
ઊંઝા-બહુચરાજીમાં વરસાદ
25 ઓક્ટોબરે ઊંઝા-બહુચરાજીના વાતાવરણમાં પલટા સાથે વરસાદ આવ્યો હતો. જેના કારણે વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ રેલવે અંડરપાસ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે.
આજે સૌરાષ્ટ્ર સહિત જિલ્લામાં વરસાદની આગાહી
ત્યારે આજે (25 ઓક્ટોબરે) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
26 ઓક્ટોબરે અમદાવાદ સહિત જિલ્લામાં વરસાદની
26 ઓક્ટોબરે મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, દીવ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આણંદ, અમદાવાદ, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગરઅને કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.




















