પ્રેમલગ્ન કાયદામાં સુધારા અને હાલ ચાલી રહેલી સહી ઝુંબેશ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આજકાલ સમાજની દીકરીઓને લલચાવીને, ફોસલાવીને અને પ્રેમલગ્નના બહાના હેઠળ લગ્ન કરવામાં આવે છે, જેના કારણે સમાજમાં આક્રોશ ફેલાયો છે. કાયદો પુખ્ત વયના વ્યક્તિને લગ્ન કરવાની છૂટ આપે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર વિધિ મુજબ થતા લગ્ન જ સાચા ગણાય છે.
'...જે ચિંતાજનક બાબત છે'
આર પી પટેલે જણાવ્યું કે, 'સમાજમાં જે સહી ઝુંબેશ ચાલી રહી છે તે કોઈ રાજકીય અભિયાન નથી, પરંતુ સમાજની લાગણી અને ચિંતા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. આવા બનાવોના કારણે જાણે અજાણે વર્ગ વિગ્રહ અને લવ જેહાદ જેવી ઘટનાઓ બને છે, જે ચિંતાજનક બાબત છે'. આર પી પટેલે આગળ જણાવ્યું કે, 'આવા લગ્નોમાં જે તે ગ્રામ પંચાયતની અંદર લગ્નની નોંધણી ફરજિયાત થવી જોઈએ, જેથી સ્થાનિક સ્તરે જાણકારી રહે અને કોઈ છેતરપિંડી ન થાય. તેમણે ઉદાહરણ આપ્યું કે જો બનાસકાંઠા કે મહેસાણાની દીકરીને ઉઠાવીને અમદાવાદના દરિયાપુરમાં લગ્ન નોંધણી કરાવવામાં આવે, તો એ સ્પષ્ટ થાય છે કે એનો ઈરાદો સારો નથી. આવા બનાવોને રોકવા માટે રાજ્ય સરકારે આ મુદ્દે દખલગીરી કરી યોગ્ય કાયદાકીય ઉકેલ લાવવો જોઈએ.
'સમાજની અનેક સંસ્થાઓ પણ આ મુદ્દે ચિંતિત છે'
તેમણે જણાવ્યું કે, 'હાલ ચાલી રહેલી સહી ઝુંબેશ સમાજની લાગણીને પોહચાડવાનો પ્રયાસ છે અને તે આવકાર્ય છે. આ પ્રશ્નની ગંભીરતા સમજી સરકારએ કાયદાકીય સ્તરે સંશોધન કરી શકે તેવી જરૂર છે. સમાજની અનેક સંસ્થાઓ પણ આ મુદ્દે ચિંતિત છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આ મુદ્દે પહેલેથી જ લેખિત રજુઆત કરી ચૂકી છે. આવનાર દિવસોમાં ફાઉન્ડેશન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરશે અને યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે'.આર.પી. પટેલે અંતે જણાવ્યું કે 'આ મુદ્દે સમાજ અને સંસ્થાઓ બંને સરકાર પાસેથી ઠોસ પગલાં અને સકારાત્મક નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે'.




















