અમદાવાદમાં રાત્રિના સમયે એક ફાર્મહાઉસ પર હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી ચાલી રહી હોવાનું બોપલ પોલીસે ગુપ્ત માહિતીના આધારે જાણકારી મેળવી હતી. પોલીસે ઝેફાયર ફાર્મ ખાતે દરોડા પાડી દારૂ અને નશામાં ધુત 13 NRI સહિત 2 ભારતીય નાગરિકોને ઝડપ્યા હતા.
“હોટ ગ્રેબર પાર્ટી”
આ પાર્ટીનું આયોજન જોન નામના યુવકે કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી દારૂના બોટલ્સ, હુક્કા, અને અન્ય નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. આ પાર્ટીને “હોટ ગ્રેબર પાર્ટી” નામ આપવામાં આવ્યું હતું અને તેમાં પ્રવેશ માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા.
પાસની કિંમત કેટલી રાખવામાં આવી હતી
અર્લી બર્ડ પાસ: ₹700
VIP પાસ: ₹2500
ડાયમંડ ટેબલ (5 લોકો માટે): ₹15,000, જેમાં 1 બ્લેક લેબલ અને 1 મેટલની બોટલ આપવામાં આવતી હતી
NRI આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા મોટાભાગના NRI આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરથી મળેલા પુરાવા અને દારૂના નમૂનાઓ પોલીસ દ્વારા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બોપલ પોલીસે ઘટનાસ્થળે હાજર તમામ લોકોને નશાની હાલતમાં પકડ્યા હતા અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ અમદાવાદ શહેરમાં રેવ પાર્ટીઓ અને ગેરકાયદેસર નશાની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.




















