અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે પટેલ ડેરી નજીક દિવાળીના તહેવાર દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર રોડ પર બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાના પ્રયાસ દરમિયાન 16 વર્ષની સગીરાનું દુર્ઘટનામાં મોત થયું છે.
50 ફૂટ દૂર ઊભેલી 16 વર્ષીય સગીરા વાગી...
માહિતી મુજબ, ત્રણ સગીરાઓ દ્વારા જાહેર રોડ પર લોખંડની પાઇપમાં ફટાકડા મૂકી બે પથ્થરો વચ્ચે ઊભી રાખી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફટાકડાનો દબાણ વધતા પાઇપ આડી પડી ગઈ અને જોરદાર ધડાકા સાથે પાઇપ ઉછળી 50 ફૂટ દૂર ઊભેલી 16 વર્ષીય સગીરાના કપાળના ભાગે વાગી હતી.
સગીરાનું મોત
આ અચાનક થયેલી દુર્ઘટનામાં યુવતીને કપાળ પર ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક યુવતીને હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ મોત નિપજ્યું.
એક યુવક સહિત બે સગીરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ બનાવની જાણ થતાં જ રાણીપ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે એક યુવક સહિત બે સગીરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ફટાકડા ફોડવાની રીત અતિ જોખમી અને બેદરકારીભરી હતી. આ દુર્ઘટનાએ સમગ્ર ન્યૂ રાણીપ વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ફટાકડા ફોડતી વખતે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.





















