એક તરફ શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે, તો બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હાલમાં દક્ષિણ ગુજરાત અને કિનારાના વિસ્તારોમાં હવામાનમાં ભેજ ભરેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
''આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા''
અંબાલાલ પટેલના અનુમાન મુજબ, પહેલી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની અસર શરૂ થશે. આ સમય દરમિયાન લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ થશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી ઘટી શકે છે. ઉત્તરાયણ દરમિયાન પણ ઠંડીનું જોર યથાવત રહેશે, જ્યારે 20મી ફેબ્રુઆરી પછી ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે. હાલની પરિસ્થિતિ અંગે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
મુંબઈના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, સુરત અને નવસારીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદી-નાળા તુફાન પણ આવી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, ખાસ કરીને જામનગર વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ વિસ્તોરમાં વાદળો છવાશે અને વરસાદી વાતાવરણ રહેશે
તેમણે આગાહી કરી છે કે, ''ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં પણ વાદળો છવાશે અને વરસાદી વાતાવરણ રહેશે. અરવલ્લી અને વડોદરા જિલ્લાઓમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે, ખાસ કરીને 26થી 30 ઑક્ટોબર દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ધોળકા, સાણંદ અને વિરમગામમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગાજવીજ સાથે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, તો કેટલાક ભાગોમાં તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતા રહેશે. આ હવામાન પરિવર્તનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સંભાળવાની અને શહેરવાસીઓને મુસાફરી દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.





















