જાણીતા કથાકાર મોરારીબાપુના ગામ તલગાજરડામાંથી એક નવો વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ એક 'ઘરસભા' માટે ગામમાં પહોંચ્યા ત્યારે તેમને સ્થાનિક લોકોએ ગામમાં જતા રોકી લીધા હતા, જે સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને ગ્રામજનો વચ્ચે આનાકાની થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર પણ બની રહ્યો છે.
સાધુને ગામમાં પ્રવેશતા અટકાવી રોકડું પરખાવ્યું!
વીડિયોમાં નજરે પડે છે કે, ગામના કેટલાક લોકો, જેમાં ગામના સરપંચ પણ સામેલ છે, સાધુઓને ગામમાં પ્રવેશ ન કરવા વિનંતી કરતા દેખાઈ રહ્યા છે. અગાઉ સ્વામીનારાયણના સંતો દ્વારા સંનાતન ધર્મ પર કરાયેલી ટીપ્પણીઓ મુદ્દે ગ્રામજનો દ્વારા શાબ્દીક ચાબકા પણ મારવામાં આવ્યા હતા.
''અમે ક્યારેય રામાયણ લઈને તમારી પાસે આવ્યા?''
આ ઘટનાક્રમ સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને ગ્રામજનોએ આડકતરી રીતે કહ્યું કે, જેઓ સનાતન ધર્મને નીચો બતાવે છે, તેમને ગામમાં પ્રવેશ મળશે નહી, તમારું ભાષણ અમને પસંદ નથી. ગ્રામજનોએ સાધુને કહ્યું કે, ''તમે કતલખાન બંધ કરાવા જાઓ તો અમે તમારી સાથે આવીશું, અમે ક્યારેય રામાયણ લઈને તમારી પાસે આવ્યા? તો તમે પણ તમારું ધાર્મિક કાર્ય બીજે જ કરો, આમ પણ એક ઘર તો ડાકણ પણ તજે"
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો
વીડિયો વિવાદના પગલે સોશિયલ મીડિયા પર પણ જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક લખે છે કે, 'કોઈ સંપ્રદાયના સાધુને આવી રીતે રોકી શકાય નહી', તો અન્ય યુઝર્સ લખે છે કે, 'આ યોગ્ય છે'