Home Gujarat Gujarat Local News Ahmedabad Surat Crime Branch Gujarat Police Fake Currency

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો : જાણો ગોટાળો કરનાર ગુરુજીનો પહેલી જ ડીલમાં કઈ રીતે ફૂટ્યો ભાંડો

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:07 AM IST

અમદાવાદથી ઝડપાઈ બે કરોડ રૂપિયાની નકલી નોટો

આયુષ મંત્રાલયના બોર્ડવાળી ફોર્ચ્યુનરમાં હેરાફેરી કરતા

સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો

સુરતના આશ્રમમાં છપાઈ હતી 2 કરોડની નકલી નોટો

પહેલી ડીલ કરવા અમદાવાદ આવ્યા ને ઝડપાઈ ગયા

મુખ્ય સુત્રધાર પ્રદીપ ગુરુની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય સુત્રધાર સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની 500 રૂપિયાની નકલી ચલણી નોટો લઈને આરોપીઓ પસાર થઈ રહ્યાં હતાં. તેઓ નકલી કરન્સીને માર્કેટમાં ફરતી કરવાની પહેલી ડીલને અંજામ આપવાના ઈરાદાથી જ અમદાવાદમાં આવ્યાં હતાં.

નકલી ચલણી નોટોની હેરાફેરી કરીને કરોડો રૂપિયાની કમાણીનો ઈરાદો રાખતા આરોપીઓનું નસીબ કાઠું હતું. તેથી અમદાવાદમાં પગ મુકતાની સાથે જ અહીં ક્રાઈમ બ્રાન્ચ તેમના સ્વાગતમાં ઉભી હતી. કોઈ ફિલ્મી સીનની માફક આજે સવારે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે છ આરોપીઓને ઝડપી પાડ્યાં. તપાસમાં બહાર આવ્યું છે કે આ નોટો સુરતમાંથી અમદાવાદમાં સપ્લાય માટે લાવવામાં આવી રહી હતી અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ એક સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હતું.

શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી’

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ હલચલ જોતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક મહિલા સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અંદાજે 40 હજાર જેટલી 500 રૂપિયાની નકલી નોટો મળી આવી હતી, જેના કુલ મૂલ્ય રૂપિયા 2 કરોડથી વધુ થાય છે. હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે.

તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે નકલી નોટોની હેરાફેરી માટે “સત્યમ યોગ ફાઉન્ડેશન”ની ગાડીનો ઉપયોગ થતો હતો. આ ગાડી પર “ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા” અને “આયુષ મંત્રાલય” જેવા બોર્ડ લગાવીને પોલીસની નજરમાંથી બચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે પ્રદીપ ગુરુજીની ઓળખ થઇ છે, જેને પણ પોલીસે ધરપકડ કરી છે.

આગળની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલ એક આશ્રમમાં આ નકલી નોટો છપાતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દરોડા પાડી પ્રિન્ટિંગ મશીન અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. સુરતમાંથી અંદાજે 80 લાખ રૂપિયાની નકલી નોટો પણ કબ્જે કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે આ રેકેટ માત્ર એક શહેર પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ મોટા સ્તરે કાર્યરત હતું.

આરોપીઓએ નકલી નોટોને બજારમાં ચલાવવા માટે એક ખાસ સ્કીમ પણ બનાવી હતી. તેઓ લોકોને લાલચ આપતા હતા કે “500 રૂપિયા ઓરિજિનલ આપો અને 1500 રૂપિયા નકલી લઈ જાઓ”. આ રીતે આરોપીઓ ઝડપથી માર્કેટમાં નકલી નોટો ફેલાવવા માંગતા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 2 કરોડની નકલી નોટો સામે અંદાજે 66 લાખ રૂપિયા અસલી ચલણ મેળવવાની યોજના હતી.

ઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી. એટલું જ નહીં આરોપીઓએ દેશભરમાં ફેક કરન્સી પહોંચાડવા એજન્ટોની ફૌજ બનાવવાની તૈયારી કરી રાખી હતી.

ક્રાઇમ બ્રાન્ચ હવે આ નેટવર્કના વધુ તાર શોધવામાં લાગી છે. આ નોટો ક્યાં ક્યાં સપ્લાય થવાની હતી, અન્ય કયા લોકો સંકળાયેલા છે અને કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે આ કાર્યવાહીથી દેશભરમાં ફેલાયેલા નકલી નોટોના મોટા ગેંગનો ભાંડો ફૂટશે.

ઉલ્લેખનીય છે કે પ્રદીપ ગુરુ અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે. વર્ષ 2018માં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને એક સ્યુસાઇડ નોટમાં આશ્રમના કેટલાક સાધકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલની ઘટનાએ ફરી એકવાર તેના નામને ચર્ચામાં લાવી દીધું છે. આ સમગ્ર કેસમાં પોલીસે જપ્ત કરેલી નોટોનું પંચનામું બનાવવાની પ્રક્રિયા પણ ભારે મહેનતભરી બની છે. હજારો નોટોના સિરિયલ નંબર નોંધવામાં પોલીસને ભારે પરસેવો છૂટી ગયો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now