19થી 21 માર્ચ દરમિયાન બંધ રહેશે બે અંડરબ્રિજ
રેલવે ટ્રેકનું મરામત કામ હાથ ધરવામાં આવ્યું છે
રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી બંધ રહેશે અંડરપાસ
Ahmedabad Traffic Issue: એક તરફ અમદાવાદમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ આજ સ્થિતિની વચ્ચે તંત્ર દ્વારા વિવિધ બ્રિજના સમારકામો હાથ ધરવામાં આવ્યાં છે. આ પરિસ્થિતિને કારણે હાલ શહેરમાં ટ્રાફિકનો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. નોકરીયાત હોય કે ધંધાર્થી, વિદ્યાર્થીઓ હોય કે વડીલો દરેકને ઘરેથી બહાર અને બહારથી પોતાના ઘરે પરત ફરવામાં ટ્રાફિકને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.
ખાસ કરીને ટ્રાફિકને કારણે ટ્રાવેલિંગના સમયમાં સામાન્ય કરતા 30 થી 35 મિનિટનો એવરેજ વધારો થાય છે. જે માણસ ઘરેથી ઓફિસ કે ઓફિસથી ઘરે 30 મિનિટમાં પહોંચતો હોય તેને હવે ટ્રેવેલિંગમાં બમણાથી પણ વધારે સમય લાગે છે. ત્યારે દરેક ટેક્સ પેયર અમદાવાદીઓ તંત્રને સવાલ કરે છેકે, આખરે તેમની આ સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે?
અમદાવાદ શહેરમાં ટ્રાફિકને અસર કરનાર મહત્વપૂર્ણ સૂચના સામે આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા શહેરના બે વ્યસ્ત અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના મરામત કામને કારણે આંશિક અને સમયબદ્ધ બંધની જાહેરાત કરવામાં આવી છે. શાહીબાગ અને મીઠાખળી અંડરબ્રિજ પર થનારી આ કામગીરીને પગલે વાહનચાલકોને થોડા દિવસો સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.
શાહીબાગ અંડરબ્રિજ પર રિપેરિંગ કામગીરીને કારણે 19 માર્ચથી 28 માર્ચ સુધી ટ્રાફિકમાં મહત્વપૂર્ણ ફેરફાર રહેશે. આ સમયગાળા દરમિયાન દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે. આ વિસ્તાર શહેરના મુખ્ય માર્ગોમાંનો એક હોવાથી ટ્રાફિક પર તેની સીધી અસર જોવા મળી શકે છે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગો મુજબ, દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવનારા વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી શકે છે. આ માર્ગ દ્વારા ડફનાળા થઈ એરપોર્ટ અને ગાંધીનગર તરફ સરળતાથી જઈ શકાય છે. એ જ રીતે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી શહેરમાં પ્રવેશતા વાહનો માટે પણ ડફનાળા અને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ, મીઠાખળી અંડરપાસ પર પણ રેલવે ટ્રેકના મરામત કામને કારણે 19, 20 અને 21 માર્ચના રોજ રાત્રિના સમયે ટ્રાફિક બંધ રહેશે. આ દિવસોમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અંડરપાસ સંપૂર્ણપણે બંધ રહેશે. દિવસ દરમિયાન ટ્રાફિક ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને ખાસ ધ્યાન રાખવું પડશે.
અસારવા, ગીરધરનગર અને કાલુપુર તરફ જવા માંગતા વાહનચાલકોને મહાપ્રજ્ઞાજી બ્રિજ (નવો નરોડા બ્રિજ) પરથી પસાર થવાની સલાહ આપવામાં આવી છે. આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાથી ટ્રાફિક જામથી બચી શકાય છે અને મુસાફરી સરળ બની શકે છે.
ટ્રાફિક વિભાગે આ કામગીરીને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કર્યું છે. ટ્રાફિકને સુચારૂ રીતે નિયંત્રિત કરવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સાથે જ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પૂર્વ આયોજન સાથે મુસાફરી કરે અને સૂચિત માર્ગોનો જ ઉપયોગ કરે.
શહેરના વ્યસ્ત વિસ્તારોમાં આવા પ્રકારના મેન્ટેનન્સ કામ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે. તેથી નાગરિકોએ સમય બચાવવા માટે વિકલ્પિક માર્ગો અપનાવવા, પીક કલાકોમાં મુસાફરી ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ રીતે, શાહીબાગ અને મીઠાખળી અંડરબ્રિજ પર થનારી મરામત કામગીરી શહેરના ટ્રાફિક પર તાત્કાલિક અસર કરશે, પરંતુ લાંબા ગાળે સુવિધાજનક મુસાફરી માટે આ કામ જરૂરી માનવામાં આવે છે.




















