Home Gujarat Ahmedabads 400 Year Old Handicraft Matani Pechedi Gets Gi Tag Green Moving Temple Became A Global Identity

Mata ni Pachedi : અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા 'માતાની પછેડી'ને મળ્યો GI ટેગ, જાણો કેવી રીતે આ 'હરતું-ફરતું મંદિર' બન્યું વૈશ્વિક ઓળખ

Mata ni Pachedi
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 07:06 AM IST

Ahmedabad Heritage News: ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદના સાંસ્કૃતિક વારસામાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. અમદાવાદની સુપ્રસિદ્ધ અને 400 વર્ષ પ્રાચીન હસ્તકળા 'માતાની પછેડી'ને (Mata ni Pachedi) સત્તાવાર રીતે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI Tag) એનાયત કરવામાં આવ્યો છે. આ GI ટેગ મળવાને કારણે હવે આ કળા અમદાવાદ જિલ્લાની એક વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ બની ગઈ છે. આ માત્ર એક સન્માન નથી, પરંતુ એક એવું કાયદાકીય રક્ષણ છે જે આ કળાની નકલ થતી અટકાવશે અને તેનો સીધો આર્થિક લાભ પેઢીઓથી આ કળાને જીવંત રાખનાર મૂળ દેવીપૂજક પરિવારોને જ મળશે.

'માતાની પછેડી' એ માત્ર કાપડ પરનું ચિત્રકામ નથી, પરંતુ તે અતૂટ આસ્થા અને સંઘર્ષની ગાથા છે. 'વોકલ ફોર લોકલ'ના અભિયાનને સાકાર કરતી આ હસ્તકળાએ આજે સાત સમંદર પાર પોતાની ઓળખ ઉભી કરી છે. સાદા સુતરાઉ કાપડને પોતાની ભક્તિ અને કુદરતી રંગો વડે "હરતા-ફરતા મંદિર"માં ફેરવી દેવાની આ અદ્ભુત કળા આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની શોભા વધારી રહી છે.

કેવી રીતે જન્મ્યો આ 'હરતા-ફરતા મંદિર'નો વિચાર?

આશરે 400 વર્ષ પહેલાં જ્યારે સામાજિક ભેદભાવને કારણે દેવીપૂજક સમુદાયને પથ્થરના મંદિરોમાં પ્રવેશવાની મનાઈ હતી, ત્યારે તેમણે પોતાની ભક્તિ પ્રગટ કરવા માટે એક અનોખો માર્ગ શોધ્યો. તેમણે કાપડ પર માતાજીના ચિત્રો કંડારવાનું શરૂ કર્યું. આ કાપડને તેઓ ગમે ત્યાં વૃક્ષ નીચે કે ખુલ્લા મેદાનમાં લગાવીને મંદિર જેવું પવિત્ર વાતાવરણ ઉભું કરતા હતા. આમ, સમાજની દીવાલો તેમની આસ્થાને રોકી શકી નહીં અને જન્મ થયો 'માતાની પછેડી'નો, જેનો અર્થ થાય છે 'માતાજીની પાછળ રાખવામાં આવતું પવિત્ર કાપડ'.

કુદરતી રંગો અને આદ્યશક્તિનું આલેખન

દરેક પછેડી તૈયાર કરવા માટે કારીગરો આજે પણ સદીઓ જૂની પદ્ધતિનો ઉપયોગ કરે છે. લોખંડના કાટ અને ગોળના મિશ્રણમાંથી ઘેરો કાળો રંગ અને ફટકડી તથા મજીઠના મૂળમાંથી લાલ રંગ તૈયાર કરવામાં આવે છે. કાપડની મધ્યમાં આદ્યશક્તિ બિરાજમાન હોય છે, જેમની આસપાસ મેલડી માતા અને સિકોતરી માતા જેવા સ્થાનિક દેવી-દેવતાઓના પ્રસંગો આલેખવામાં આવે છે. જ્યારે આ કાપડ મોટા ચોરસ આકારમાં તૈયાર થાય છે, ત્યારે તેને 'માતાનો ચંદરવો' કહેવામાં આવે છે.

અમદાવાદથી ઓસ્ટ્રિયા સુધીનો વૈશ્વિક પ્રવાસ

આ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે "ટેમ્પલ હેંગિંગ્સ" તરીકે વિખ્યાત છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 1890માં અમદાવાદમાં બનેલો એક 'ચંદરવો' આજે યુરોપના વિયેના મ્યુઝિયમમાં સચવાયેલો છે. આ ઉપરાંત, જંબુસરની 19મી સદીની એક પછેડી નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રિયામાં ગૌરવપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે. પદ્મશ્રી એબરહાર્ડ ફિશર અને હકુ શાહ જેવા સંશોધકોના પ્રયાસોથી આ કળાને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે.

70-80 કારીગરો માટે આશાનું નવું કિરણ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ની મહેનત રંગ લાવી છે. GI ટેગ મળવાથી આ પરંપરાને જીવંત રાખતા ગણ્યાગાંઠ્યા 70-80 કારીગરો માટે ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. આ સન્માન તે કલાકારો અને 'જગરિયાઓ' (ગાયકો) માટે સાચી અંજલિ છે, જેમણે મંદિરના દ્વાર બંધ હોવા છતાં પોતાની કલા અને ભક્તિના ધાગા વડે આખું વિશ્વ નિહાળે તેવું ભવ્ય સર્જન કર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now