Thara News : બનાસકાંઠાના થરા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુ મળ્યો હતો. કચરામાં નવજાતને તરછોડી જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. માનવતાને શરમાવે તેવી આ ઘટનાને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
કચરાના ઢગલામાંથી નવજાત શિશુ મળ્યો
સ્થાનિક લોકોની નજર પડતાં જ તરત જ નવજાત શિશુને કચરાના ઢગલામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં નવજાતને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેની સારવાર ચાલી રહી છે. હાલ શિશુની તબિયત અંગે તબીબો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં જ થરા પોલીસને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ થરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ નવજાતને તરછોડી જનાર કોણ છે તે શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને લોકો દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
'બાળકને હાયપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું'
હોસ્પિટલના ડોક્ટરએ કહ્યું કે, 'ગામના સેવાભાવી બહેન અને પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરદાન ગઢવી આ બાળક હોસ્પિટલ લઈ આવ્યા હતા. આ બાળક એમના કહેવા મુજબ રામબાણીની કચરા પેટી છે ત્યાંથી બાળક મળી આવ્યું હતું, બાળકને જ્યારે હોસ્પિટલ લઈ આવ્યા ત્યારે બાળકની કન્ડિશન થોડી નાજુક હતી, હાયપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું'.





















