Surendranagar Crime News : સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પોલીસે ગેરકાયદેસર નશીલા પદાર્થોના વાવેતર સામે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગોસળ ગામે પોલીસે લીલા ગાંજાનું વાવેતર કરેલું ખેતર ઝડપી પાડ્યું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગાંજાનો વાવેતર ઝડપાયું
પ્રાપ્ત માહિતી અનુસાર ગોસળ ગામના આરોપી દેવાભાઈ કરશનભાઈ પરમારે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની જાણ પોલીસને મળી હતી. બાતમીની તપાસ કર્યા બાદ સાયલા પોલીસે આરોપીના ખેતરમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ખેતરમાં વાવેલા લીલા ગાંજાના કુલ 26 છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે 53 કિલો જેટલું હતું. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂ. 26.57 લાખ થવા પામી હતી.
32.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ સાથે પોલીસે ગાંજાની ખેતીમાં ઉપયોગમાં લેવાયેલો ટ્રેક્ટર સહિત કુલ રૂ. 32.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી દેવાભાઈ કરશનભાઈ પરમારની ધરપકડ કરી હતી અને હાલ તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી પુછપરછ કરવામાં આવી રહી છે. સાયલા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વાવેતર સામે કડક સંદેશો પહોંચ્યો છે.





















