Vadodara Administration Letter : વડોદરાના ધારાસભ્યોમાં વહીવટીતંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને એક સ્ફોટક પત્ર લખી સરકારી વહીવટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્યોએ પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં અધિકારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી અને સરકારી કચેરીઓમાંથી સામાન્ય કામ કરાવવું પણ યુદ્ધ લડવા જેવું બની ગયું છે.
'સરકારી વહીવટ સંપૂર્ણ રીતે ખાડે ગયો'
ધારાસભ્યોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી વહીવટ સંપૂર્ણ રીતે ખાડે ગયો છે. અધિકારીઓના મનસ્વી અને બેદરકાર વર્તનના કારણે સામાન્ય પ્રજા પરેશાન થઈ રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પ્રજાના કામો થતાં નથી. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી, જેના કારણે વિકાસના કામો અટવાઈ રહ્યા છે.
ચાર MLA એ લખ્યો CM ને પત્ર
આ સ્ફોટક પત્ર ડોભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લખ્યો છે. પત્રમાં તેમણે રાજ્યના વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સ્થિતિમાં તાત્કાલિક સુધારા લાવવા માગ કરી છે.
પત્રમાં શું જણાવ્યું છે?
પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટી તંત્રનું કામકાજ ખોરંભે ચડી ગયું છે અને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓમાં પોતાના નાનામોટા કામ પણ કરાવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓની ખરાબ માનસિકતા કારણે સરકારી કચેરીમાં કામ કરાવવું યુદ્ધ સમાન બની ગયું હોવાનું ધારાસભ્યોએ ઉલ્લેખ કર્યો છે. ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓમાં બેસીને સરકારી સચિવો સાથે વીડિયો કોન્ફરન્સમાં જમીની હકીકતોને અવગણીને ગુલાબી ચિત્ર રજૂ કરે છે. પરિણામે સરકાર સુધી વાસ્તવિક પરિસ્થિતિ પહોંચતી નથી અને પ્રજા તેમજ જનપ્રતિનિધિઓને અવગણીને અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિથી રાજ્ય સરકારની છબીને ગંભીર નુકસાન પહોંચી રહ્યું હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.
આ ઉપરાંત, ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેઓ દ્વારા રજૂ કરવામાં આવતી પ્રજાની સમસ્યાઓ અને વિકાસકામોની સૂચનાઓને ઘણી વખત અવગણવામાં આવે છે. કેટલાક અધિકારીઓ તો પ્રજાને એવું પણ કહે છે કે “તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?”, જે લોકશાહી વ્યવસ્થાની ભાવનાને ઠેસ પહોંચાડે છે. પત્રના અંતમાં ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવે. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્ય આપવું, પ્રજાલક્ષી નિર્ણય લેવાં અને જરૂરી હોય ત્યાં આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.





















