logo-img
Jagdish Panchal Unopposed For The Post Of Gujarat Bjp President

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ! : મૂળ વતન બનાસકાંઠામાં ખુશીનો માહોલ, માતા-પિતાએ કહ્યું “દીકરો તમામ કાર્યોમાં સફળ થાય”

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 03, 2025, 02:33 PM IST

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરાઈ છે, જો કે સત્તાવાર જાહેરાત આવતીકાલે થશે. તેમની નિમણૂકના સમાચાર પ્રસિદ્ધ થતાં જ સમગ્ર પાર્ટીમાં ઉત્સાહનું માહોલ છવાઈ ગયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, જગદીશ વિશ્વકર્માએ કડી વિધાનસભા ચૂંટણીમાં મહત્વનું અને સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે વિશ્વકર્માના અમદાવાદ શહેર પ્રમુખ તરીકેના અનુભવને પણ બિરદાવીને જણાવ્યું કે તેમના નેતૃત્વમાં પક્ષ વધુ મજબૂત બનશે.

''સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ ભવ્ય વિજય થશે''

નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં જગદીશ વિશ્વકર્માનું નેતૃત્વ મહત્વપૂર્ણ સાબિત થશે, તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ ભવ્ય વિજય હાંસલ કરશે.


''અમને ગર્વ છે કે વરણાવાડાનો દીકરો...''

જગદીશ વિશ્વકર્માની નિમણૂકથી તેમના મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરણાવાડા ગામમાં આનંદની લાગણી વ્યાપી છે. સમગ્ર ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગામના સરપંચે જણાવ્યું કે, “અમને ગર્વ છે કે વરણાવાડાનો દીકરો આજે રાજ્યના મોટા પદ પર પહોંચી ગયો છે.” જગદીશ વિશ્વકર્માએ 1998માં સામાન્ય કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેઓ પ્રદેશ પ્રમુખના પદે છે જે એક પ્રેરણાદાયક સફર છે.


“અમારો દીકરો તમામ કાર્યોમાં સફળ થાય”

આ અવસરે તેમના માતા-પિતાએ દીકરાને આશીર્વાદ આપતાં કહ્યું કે, “અમારો દીકરો તમામ કાર્યોમાં સફળ થાય” ગામના લોકોએ તેમને સૌમ્ય અને સરળ સ્વભાવનો નેતા ગણાવીને પાર્ટી માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. અનેક ગ્રામજનો અને સમર્થકોએ આશા વ્યક્ત કરી છે કે, 'જગદીશ વિશ્વકર્મા ભાજપને નવી દિશા આપશે અને પ્રદેશના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે'.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now