મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત' સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹381 કરોડથી વધુની કિંમતના, 8,000 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યું છે. જે રીતે તાજેતરમાં વિજયા દશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કરવામાં આવ્યું, તે જ રીતે સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.
મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર
'ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા'ના આહ્વાન અને 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરી છે. જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
'મેન્ટર પ્રોજેક્ટ'
આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા 'મેન્ટર પ્રોજેક્ટ' ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત જામીન પર છૂટેલા 2640 જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની 'માનસ' હેલ્પલાઇન નંબર 1933 ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા છે.
'નશા-મુક્ત ગુજરાત'
ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્ય સરકારની 'રીવોર્ડ પોલીસી' હેઠળ, 7 મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને ₹29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપી અને 'નશા-મુક્ત ગુજરાત'ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવ્યું.