રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને તેમના નામની પાછળ ‘ખાન’ જોડવાનું કહેતાં રાજકીય ગરમાવો સર્જાયો છે. આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન
ઇન્દ્રનીલ રાજગુરુએ VHPને ભાજપની બી ટીમ કહીને તેની નીતિ અને નિષ્ઠાને પડકાર્યો છે. તેમણે જણાવ્યુ કે, આ ટોળકી માત્ર નકલી હિન્દુત્વના આધારે રાજકીય લાભ મેળવવા ઈચ્છે છે. નકલી હિન્દુ નેતાઓ હિન્દુત્વના નામે લોકોમાં ફૂટ પાડે છે અને આવી ઝેરભરી ભાષા ફક્ત ગુંડા ટોળકી જ ઉપયોગમાં લઇ શકે.”
રાજગુરુએ આક્ષેપ કર્યો
રાજગુરુએ આક્ષેપ કર્યો કે, VHPના કેટલાક નેતાઓ માત્ર રાજકીય સ્વાર્થ માટે હિન્દુત્વની વાત કરે છે, જ્યારે વાસ્તવમાં તેમની નીતિઓ અને કારગુઝારીઓ હિન્દુ ધર્મના મૂળ સત્તાવિચારોથી કાંઈ સંકળાયેલી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, “આ લોકો ગાયોના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને ભયનું માહોલ ઊભું કરે છે” આ સમગ્ર ઘટનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.