રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સુરત શહેરથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં તાજેતરમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક બાળકના સારવાર મામલે રિફરલ અંગેની સલાહ આપનાર ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પર દર્દીના સંબંધીએ હુમલો કર્યો હતો. ડોક્ટરનો આક્ષેપ છેકે, હુમલો કરનાર શખ્સ નશામાં હતો. નશામાં ધુત આ શખ્સે ડોક્ટરને એક બાદ એક 12 લાફા ઝીંકી દીધા હતા. સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઇ છે.
ICU ન હોવાને કારણે બાળકને રિફર કરાયું-
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક યુવાન પોતાના ગંભીર હાલતમાં આવેલા બાળકને લઈને આવ્યો હતો. ડોક્ટરે તપાસ કર્યા બાદ બાળકને તાત્કાલિક ICUની જરૂર હોવાનું જણાવી, તેમને જણાવ્યું કે હોસ્પિટલમાં ICUની સુવિધા ઉપલબ્ધ નથી અને બાળકને તાત્કાલિક અન્ય ICU યુક્ત હોસ્પિટલમાં રિફર કરવો જરૂરી છે.
નશામાં ધુત વ્યક્તિએ અચાનક ડોક્ટર પર કર્યો હુમલોઃ
હોસ્પિટલ સ્ટાફ મુજબ, બાળક સાથે આવેલા ચાર પુખ્ત વ્યક્તિઓ પૈકી એક શખ્સ નશામાં ધુત અવસ્થામાં હતો. શરુઆતમાં પરિવારે ડોક્ટરની સલાહ સ્વીકારી હતી, પરંતુ લગભગ 20 મિનિટ પછી આ વ્યક્તિ અચાનક જ ડોક્ટરની ચેમ્બર તરફ દોડી ગયો અને વિના કારણે ડોક્ટર પર ગાળાગાળી શરૂ કરી હતી.
ડોક્ટર પર નિર્દય હિંસા – 12 લાફા અને અસભ્ય વર્તનઃ
આ ગંભીર ઘટનામાં નશામાં ધુત યુવકે ડોક્ટરને સવાલ પૂછ્યા વિના એક પછી એક 12 લાફા ઝીંક્યા હતા. ડોક્ટરે જ્યારે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ યુવક ઊગ્રતા સાથે અભદ્ર વર્તન કરતો રહ્યો. હમણાંજ હોસ્પિટલ સ્ટાફ દોડી આવ્યો અને ડોક્ટરને વધુ હુમલાથી બચાવ્યા. હુમલાખોર વ્યક્તિએ સ્ટાફ સાથે પણ ગાળાગાળી કરી હતી.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટનાઃ
આ સમગ્ર ઘટનાની ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ડોક્ટર દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને પોલીસએ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલ તેમજ સ્થાનિક મેડિકલ અસોસિયેશનો આ ઘટનાને લઈને ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે અને હુમલાખોર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એવી માંગણી કરી છે.
આ ઘટના માત્ર એક ડોક્ટર સામેનો હુમલો નથી, પરંતુ સમગ્ર આરોગ્ય તંત્ર સામેનો ખતરો છે. આવા હુમલાઓ ડોક્ટરોની મનોબળને ખોરખે છે અને અન્ય દર્દીઓ માટે પણ જોખમ ઉભું કરે છે. દરેક દર્દીને યોગ્ય સારવાર મળવી જોઈએ, પરંતુ આરોગ્યકર્મચારીઓની સલામતી પણ તાત્કાલિક રીતે સુનિશ્ચિત થવી જોઈએ.