ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી નવેમ્બર સુધી ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને, ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલાં
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લા પડેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. જો પાકને ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો.
પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું
આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો
ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો
APMCમાં રહેલા અનાજ અને ખેતપેદાશોને ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા
આ દિવસો દરમિયાન APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનું ટાળવું અથવા તેને સુરક્ષિત રાખવા
કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર જાહેર
આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર – 18001801551 પર સંપર્ક કરવો





















