અમદાવાદ એરપોર્ટ પર આજે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈથી અમદાવાદ આવી રહેલી અક્સા એરની ફ્લાઇટનું બે વખત લેન્ડિંગ નિષ્ફળ જતા પેસેન્જર્સમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. અંતે સુરક્ષાના કારણોસર આ ફ્લાઇટને અમદાવાદ બદલે જયપુર એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી.
મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટનું બે વાર લેન્ડિંગ ફેઇલ
પ્રાપ્ત વિગતો મુજબ, અક્સા એરની ફ્લાઇટ નં. QP 1781 તારીખ 13 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 8.40 વાગ્યે મુંબઈથી અમદાવાદ માટે ટેકઓફ થઈ હતી. આ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ ટાઈમ રાત્રે 10 વાગ્યે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ લેન્ડિંગ સમયે કોઈ તકનીકી કે અન્ય કારણોસર મુશ્કેલી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ગભરાટ
મુસાફરોના જણાવ્યા મુજબ, ફ્લાઇટે અમદાવાદ એરપોર્ટ પર બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વખત રનવે નજીક પહોંચ્યા બાદ ફરીથી ફ્લાઇટ ઉપર ખેંચી લેવામાં આવી હતી. આ ઘટનાથી વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ગભરાટ અને ભય ફેલાઈ ગયો હતો. કેટલાક મુસાફરોએ જણાવ્યું કે તે ક્ષણો દરમિયાન તેઓ ખૂબ ડરી ગયા હતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો.
જયપુર ખાતે લેન્ડ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો
બાદમાં પાયલટ દ્વારા સ્થિતિને ધ્યાનમાં લઈ સુરક્ષાના પગલા તરીકે ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ ન કરાવીને જયપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી, જ્યાં ફ્લાઇટને સલામત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. ફ્લાઇટ જયપુર ખાતે લેન્ડ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ લેન્ડિંગ નિષ્ફળ થવાના ચોક્કસ કારણો અંગે એરલાઇન તરફથી વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.





















