અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. શહેરમાં પાર્કિંગની અછત અને ગેરકાયદેસર પાર્કિંગના વધતા કેસોને ધ્યાનમાં રાખી એસ્ટેટ વિભાગ તેમજ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં નિયુક્ત બે એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલ પાર્કિંગ સર્વે અને પ્લાનની સમીક્ષા કરવામાં આવી. કમિશનરે જણાવ્યું કે શહેરવાસીઓને ટ્રાફિક અને પાર્કિંગની અસુવિધામાંથી કાયમી રાહત મળે તે માટે કોર્પોરેશન કડક પગલાં લેશે.
શહેરમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ અને સંસ્થાઓ પાસે પૂરતી પાર્કિંગ સુવિધા હોવા છતાં તે મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવતી નથી, જેના કારણે રસ્તાઓ પર અવ્યવસ્થિત રીતે પાર્કિંગ થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા કોમ્પ્લેક્સ અને મોલ સામે દંડનીય કાર્યવાહી માટે નીતિ બનાવવામાં આવશે. સાથે જ ખાનગી પાર્કિંગની વધારાની જગ્યા જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ થાય તે માટે રેવન્યુ શેરીંગ આધારિત માર્ગદર્શિકા તૈયાર કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
સિંધુભવન રોડ, રાજપથ રંગોલી રોડ અને બોપલ-આંબલી રોડને ઝીરો ટોલરન્સ ઝોન તરીકે જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. કમિશનરે એજન્સીઓને જણાવ્યું કે આ વિસ્તારોમાં રોડ પર પાર્કિંગ ન થાય તે માટે સખત અમલ કરવો જોઈએ અને લોકોને મલ્ટીલેવલ પાર્કિંગ અથવા કોર્પોરેશન દ્વારા સૂચિત સ્થળોનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ લાવવી જોઈએ.
શહેરના મુખ્ય રસ્તાઓ તથા મેટ્રો અને જાહેર પરિવહનનાં સ્ટેશનોની આજુબાજુ પાર્કિંગ સુવિધા વિકસાવવાની દિશામાં પણ નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનના તેમજ ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં PPP ધોરણે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવવામાં આવી છે. ઉપરાંત, વાહનચાલકોને મોબાઇલ એપ દ્વારા પાર્કિંગ સ્થાનોની માહિતી ઉપલબ્ધ થાય તે માટે એપ ડેવલપમેન્ટની યોજના પણ ચર્ચાઈ.
ફુટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ અને ફેરિયાઓના દબાણથી રાહદારીઓને થતી મુશ્કેલીઓને દૂર કરવા ફુટપાથનો સર્વે કરી જરૂર પડે ત્યાં ગ્રીલ લગાવવા સૂચના આપવામાં આવી. મુસાફરોને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે ઓટો અને કેબ માટે પાર્કિંગ સ્થાનો નક્કી કરાશે.
છેલ્લા ત્રણ મહિનામાં ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં કુલ 642 સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે, જેમાં વે-ફાઇન્ડિંગ, નો-પાર્કિંગ અને નો-વેન્ડીંગ બોર્ડ્સનો સમાવેશ થાય છે. હવે ઈન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) ની માર્ગદર્શિકા મુજબ પ્રતિબંધિત વિસ્તારોમાં વધારાના “નો-પાર્કિંગ” સાઈનેજીસ લગાવવાની કામગીરી હાથ ધરાશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા મુજબ, શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે કાયદાકીય તેમજ ટેકનોલોજી આધારિત ઉકેલો ઝડપથી અમલમાં મૂકવામાં આવશે.





















