દેવગઢ બારીયાના કરોડોના મનરેગા કૌભાંડમાં પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વડોદરા જી.એસ.ટી. વિભાગ દ્વારા ગોધરા ખાતે આવેલી બળવંત ખાબડની મિલકત પર બોજો દાખલ કરવામાં આવ્યો છે.
જી.એસ.ટી. વિભાગે સત્તાવાર રીતે કાર્યવાહી કરી
માહિતી મુજબ, બળવંત ખાબડની માલિકીના સર્વે નંબર 40, 41, 42 અને 39 પૈકીના 9ના 15 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા ખાનગી પ્લોટ નંબર 191 પર આ બોજો નોંધાયો છે. ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી આ મિલકત પર વડોદરા જી.એસ.ટી. વિભાગે સત્તાવાર રીતે કાર્યવાહી કરી છે.
મિલકત પર બોજો દાખલ કરાયો
સૂત્રો અનુસાર, બળવંત ખાબડ સંચાલિત શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરચોરી અને નાણાકીય અનિયમિતતાના સંકેતો મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે વિભાગે મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરી છે.
મનરેગા કૌભાંડની તપાસ
અધિકારીઓએ જણાવ્યું છે કે, સમગ્ર મામલાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બળવંત ખાબડની મિલકત પર આ બોજો ચાલુ રહેશે. મનરેગા કૌભાંડ સાથે જોડાયેલી નાણાકીય ગડબડની તપાસ હાલ ચાલુ છે.





















