ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામેથી સમાજને શર્મસાર કરી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. પવિત્ર ગણાતા ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતાં એક શિક્ષકે પોતાની જ શાળાની ભૂતપૂર્વ સગીરા વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો આરોપ સામે આવ્યો છે. બળજબરી બાદ સગીરાના ફોટા પાડી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હોવાની વિગતો પણ બહાર આવી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ખેડામાં શિક્ષકની હવસનો કાળો ચહેરો
મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કરતી હતી. તે દરમિયાન શાળામાં ફરજ બજાવતા શિક્ષક શૈલેષ રાઠવાએ તેની સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું હતું. શરૂઆતમાં સામાન્ય અડપલાંથી શરૂ થયેલી હેરાનગતિ બાદ શિક્ષકે સગીરાના કેટલાક ફોટા પાડી લીધા હતા. આ ફોટાઓના આધારે સગીરાને ધમકાવી તેના પર શારીરિક શોષણ આચર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.
ગુરુ-શિષ્ય સંબંધ કલંકિત
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયા બાદ સગીરા ધોરણ 9માં અભ્યાસ માટે સાવલી ગઈ હતી. સ્થળ બદલાયા છતાં શિક્ષકનો પીછો ચાલુ રહ્યો હતો. વારંવાર ધમકી અને બ્લેકમેઇલિંગથી સગીરા ગંભીર માનસિક તાણ હેઠળ જીવતી હતી. અંતે પરિસ્થિતિ અસહ્ય બનતા સગીરાએ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહીનો માર્ગ અપનાવી ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ Protection of Children from Sexual Offences Act (પોક્સો) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો
આ અંગે કપડવંજ ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની વિગતો સામે આવી છે. હાલ આરોપી ફરાર હોવાનું જણાય રહ્યું છે અને તેને ઝડપી પાડવા પોલીસની ટીમો સક્રિય બની છે. શાળાના આચાર્ય મુજબ આરોપી શિક્ષક છેલ્લા દસ દિવસથી રજા પર છે, જેથી તેના વતન સહિતના સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ ચકચારી બનાવે શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે અને સમાજમાં ગુસ્સાનો માહોલ ઉભો કર્યો છે.




















