logo-img
What Did Bjp State President Jagdish Vishwakarma Say Regarding Gujarat Budget 2026 27

'આ બજેટ 6-T પર આધારિત છે' : ગુજરાત બજેટ 2026-27 સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું?

'આ બજેટ 6-T પર આધારિત છે'
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 07:34 AM IST

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ગતરોજ વિધાનસભા ગૃહ માં રજૂ કરાયેલ નાણાકીય વર્ષ 2026-27 ના બજેટ સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી હતી. જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદની શરૂઆત સાહસ અને શૌર્યના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે તેમને કોટિ-કોટિ વંદન કરીને કરી હતી. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલા 'રિફોર્મ એક્સપ્રેસ' પર સવાર ત્રણ કર્તવ્યો આધારિત કેન્દ્રીય બજેટ રજૂ કરાયું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ નો મંત્ર આપ્યો હતો તેને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા છ કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા 10.2% નો વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ નવા કરવેરા વગરનું આ બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વેગ આપશે.

'દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે'

તેમણે જણાવ્યું કે, દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% થી પણ વધારે છે અને દેશમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. બજેટમાં સમાજના દરેક વર્ગ, 'જ્ઞાન' (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટ 2047ના વિકસિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે 'ક્વોન્ટમ જમ્પ' સમાન છે.

'શ્રમયોગીઓના ઉત્કર્ષ માટે ₹260 કરોડની જોગવાઈ'

તેઓએ કહ્યું કે, ગરીબ અને શ્રમિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.15 લાખ નવા આવાસની જાહેરાત કરવામાં આવી છે. 75 લાખ કુટુંબોને મફત અનાજ, 50 નવા ધનવંતરી આરોગ્ય રથ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 121 નવા કેન્દ્રો દ્વારા માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન ની સુવિધા આપવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે પીએમ જન આરોગ્ય અને મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. શ્રમયોગીઓના ઉત્કર્ષ માટે ₹260 કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી છે. યુવા શક્તિ માટે બજેટમાં 'ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' માટે ₹226 કરોડ ફાળવાયા છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના થશે, જેથી યુવાનોમાં રિસર્ચની જિજ્ઞાસા વધે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના i-Hub ના તર્જ પર સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે.

'ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરાઈ'

જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે 16 નવી સરકારી કોલેજો, 926 નવી પીએમ શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક લાઈબ્રેરી બનશે. 2,000 જેવી નવી આંગણવાડીઓ માટે ₹360 કરોડની જોગવાઈ કરાઈ છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ₹400 કરોડ ફાળવાયા છે. ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે કૃષિ રાહત પેકેજમાં ₹11,૦૦૦ કરોડથી વધુની ફાળવણી કરી છે. 18,૦૦૦ કરોડથી વધુની કિંમતના (મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ) ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીની વાત કરાઇ છે. કિસાન ક્રેડિટ અંતર્ગત વ્યાજ સહાય માટે ₹1,539 કરોડ ફાળવાયા છે. એક ઐતિહાસિક નિર્ણય મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાગ્ય શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે, જેનાથી ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. પશુપાલકો માટે ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે.

સાડા 6 કરોડ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા

તેમણે અંતમાં ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનાર, વિકાસની ધારાથી કોઈ પણ વર્ગ બાકાત ન રહી જાય તે માટે સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને સર્વ સુખાય સર્વ હિતાય ના મંત્ર સાથે આ બજેટ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાણામંત્રી કનુ દેસાઈને ગુજરાત પ્રદેશ ભાજપ અને સાડા 6 કરોડ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now