Home Gujarat Rickshaw Gang Targeting Senior Citizens Caught In Ahmedabad

સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગ ઝડપાઈ : અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગ ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 04:42 AM IST

અમદાવાદ શહેરમાં સીનીયર સિટીઝન્સને નિશાન બનાવી ચોરી કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ સભ્યોની ટોળકીને ઝડપી પાડી છે, જે રિક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધ નાગરિકોને ટાર્ગેટ કરતી હતી. આ ધરપકડ સાથે સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નિવૃત્ત SRP PI સાથે થયેલી ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ રૂ. 15,38,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

મુસાફરની નજર ચૂકવી દાગીના અને રોકડ ચોરી લેતા

પોલીસ તપાસ મુજબ આરોપીઓ ઘણીવાર નંબર પ્લેટ વગરની રિક્ષામાં સીનીયર સિટીઝન્સને બેસાડતા. મુસાફરની નજર ચૂકવી તેમના થેલામાંથી સોનાના દાગીના અને રોકડ ચોરી લેતા અને પછી થોડે દૂર ઉતારી દેતા. પકડાયેલા આરોપીઓમાં મોહમદ યુનુસ ઉર્ફે ચાચા (46, દાણીલીમડા, 4 ગુનાહિત ઇતિહાસ), ઇમ્તિયાઝ ઉર્ફે કુલી (36, સરસપુર, 2 ગુનાહિત ઇતિહાસ) અને સકીલ સલીમભાઈ અંસારી (38, દાણીલીમડા, 1 ગુનાહિત ઇતિહાસ)નો સમાવેશ થાય છે.

મુદ્દામાલ કબજે કર્યો

રિકવર થયેલા મુદ્દામાલમાં આશરે 8 તોલા સોનાના દાગીના, મગમાળા (પેન્ડલ સાથે), હાર (કંદોરો), ચેઈન અને 2 વીંટીઓ સાથે ચોરી કરાયેલ રોકડ રકમ, ગુનામાં વપરાયેલ 1 ઓટોરિક્ષા અને 2 મોબાઈલ ફોન સામેલ છે. આરોપીઓએ અન્ય ચાર ચોરીની કબૂલાત પણ કરી છે: વાસણામાં 2 તોલાનું મંગળસૂત્ર, નરોડા પાટિયામાં સોનાની બુટ્ટી-વીંટી અને રૂ.1,00,000 રોકડ, તેમજ જશોદાનગરમાં રૂ.50,000 રોકડની ચોરી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે જમાલપુર બ્રિજ નીચે ટોળકીને ઝડપી પાડી હતી. હાલ ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now