logo-img
What Is The Session In Gujarat Assembly Today

ગુજરાત વિધાનસભા સત્રમાં આજે શું? : પ્રશ્નોત્તરીથી લઈ રમતવીર પ્રોત્સાહન વિધેયક, જાણો દિવસની કામકાજની યાદી

ગુજરાત વિધાનસભા સત્રમાં આજે શું?
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 04:18 AM IST

પંદરમી વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન આજે ગુજરાત વિધાનસભામાં મહત્વપૂર્ણ કામકાજ નક્કી કરવામાં આવ્યું છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે. તારાંકિત પ્રશ્નોત્તરીમાં નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી જવાબ આપશે. ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પહેલો દિવસ રહેશે. ઈશ્વરભાઈ પરમારે તા. 16 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસ્તાવ મૂક્યો છે કે આ સત્રમાં એકત્ર થયેલા સભ્યો રાજ્યપાલે સભાગૃહ સમક્ષ કરેલા સંબોધન બદલ તેમનો આભાર વ્યક્ત કરે.

બિન-સરકારી વિધેયકો

બિન-સરકારી કામકાજ અંતર્ગત કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો રજૂ થવાના છે. દાખલ કરવાનાં વિધેયકોમાં સન 2024નું ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયક (ઈમરાન ખેડાવાલા), સન 2025નું ગુજરાત માતાપિતા અને આશ્રિતોના ભરણપોષણ બાબત વિધેયક (બાબુભાઈ જમનાદાસ પટેલ), સન 2024નું ગુજરાત લગ્ન-નોંધણી (સુધારા) વિધેયક (હેમંતભાઈ ખવા) અને સન 2025નું ગુજરાત સર્વ ધર્મ શ્રદ્ધા, પ્રતીક અને સદભાવ સંરક્ષક વિધેયક (અનિરુદ્ધભાઈ દવે)નો સમાવેશ થાય છે.

બિન-સરકારી વિધેયકોનું વાંચન

ઉપરાંત પહેલા, બીજા અને ત્રીજા વાંચન માટે સન 2025નું વિધેયક ક્રમાંક-13 – ગુજરાત રાજ્ય કેન્સર અને ડ્રગના વ્યસનથી પીડિત લોકોની સારવાર માટેના માળખાકીય ફંડ બાબત વિધેયક ડૉ. હસમુખભાઈ પટેલ દ્વારા, સન 2023નું વિધેયક ક્રમાંક-4 – ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક (ઈમરાન ખેડાવાલા), સન 2025નું વિધેયક ક્રમાંક-11 – ગુજરાત રાજ્ય રમતવીર પ્રોત્સાહન વિધેયક (હાર્દિકભાઈ પટેલ) અને સન 2025નું વિધેયક ક્રમાંક-12 – ગુજરાત આરોગ્યનો અધિકાર વિધેયક (ડૉ. દર્શના દેશમુખ) ચર્ચા માટે રાખવામાં આવ્યા છે. જો ઉપરોક્ત વિધેયકોમાંથી કોઈ એક હાથ ધરવામાં ન આવે તો ફાળવેલો સમય અન્ય વિધેયક માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ રીતે આજે વિધાનસભામાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય પ્રક્રિયા હાથ ધરાશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now