સુરત શહેરમાં માથાભારે તરીકે ઓળખાતા ચિરાગ ગોટીનું ફરી એકવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સરથાણા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવની હકીકત ફરી રજૂ કરાવી તપાસ આગળ ધપાવી છે. બે દિવસ પહેલાં એસઓજી પોલીસે સિંગણપોર વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં પણ ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સિંગણપોર પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક પીડિતો આગળ આવતાં મામલો ગંભીર બન્યો હતો.
માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્ટ્રેશન
સિંગણપોર, સરથાણા, ચોક બજાર અને કતારગામ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે. સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાવેલ્સના માલિક મુકેશભાઈ ગજેરાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ બંદૂકની અણીએ ધમકાવી તેમની પાસેથી અંદાજે 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મળતી માહિતી મુજબ ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો.
ચિરાગ ગોટી એ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો
ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો અને બાદમાં મિત્રતા વધતાં રૂપિયા ઉછીના લેવાયા હતા. જોકે બાદમાં જ્યારે ફરિયાદી પોતાના પૈસા પરત માંગવા ગયો ત્યારે આરોપીએ બંદૂક બતાવી ધમકી આપી હતી. પોલીસે ચિરાગ ગોટીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી છે અને અન્ય સંભવિત પીડિતો સામે આવવા અપીલ કરી છે. શહેરમાં આ બનાવને પગલે ચકચાર મચી ગઈ છે.




















