logo-img
Who Is Pabiben Who Brought Global Recognition To The Handicrafts Of Kutch

કચ્છની હસ્તકળાને વૈશ્વિક ઓળખ અપાવનાર પાબીબેન કોણ છે? : દિવસનો 1 રૂપિયો કમાતા પાબીબેન આજે સેંકડો મહિલાઓને આપે છે રોજગારી

કચ્છની હસ્તકળાને વૈશ્વિક ઓળખ અપાવનાર પાબીબેન કોણ છે?
Published by: Offbeat Team
| Last Updated: Sep 15, 2025, 10:52 AM IST

ગુજરાતમાં કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. કચ્છના કુકડસર ગામમાં જન્મેલા પાબીબેન રબારીએ હસ્તકળા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. ચોથા ધોરણમાં શિક્ષણ અધૂરું છોડી દેનારા પાબીબેન આજે સફળ એન્ટરપ્રિન્યોર છે અને અનેક મહિલાઓને રોજગારીની તકો આપે છે. ગુજરાતની આવી જ ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથા આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં ઝળકશે અને અન્ય મહિલાઓને પણ પ્રેરિત કરશે.

દિવસનો ₹1 કમાતા પાબીબેન આજે પ્રખ્યાત એન્ટરપ્રિન્યોર

કચ્છના કર્મવીર તરીકે જાણીતાં પાબીબેનનું જીવન પડકારભર્યું રહ્યું છે. પાંચ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા બાદ તેઓ માતા સાથે પાણી ભરવાનું કામ કરતા હતા. આ માટે તેમને ₹1નું વેતન મળતું હતું. જો કે, પાબીબેને પડકારોને સ્વીકારીને નાની વયથી જ ભરતકામ શીખવાનું શરૂ કર્યું અને તેઓ આ કળામાં પારંગત બન્યા. એક સમયે પાબીબેન માત્ર એક રૂપિયો કમાતા હતા અને આજે તેઓ PabiBen.com (પાબી ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ) નામની એક વેબસાઇટ ચલાવે છે. હસ્તકળા ક્ષેત્રે આજે આ વેબસાઇટ જાણીતું નામ છે અને તે 300થી વધુ મહિલાઓને રોજગારી આપે છે. તાજેતરમાં તેમને શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ₹50 લાખનું ભંડોળ મળ્યું છે. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેમણે પરંપરાગત રબારી ભરતકામ અને ઇ-કોમર્સનું અનોખું મિશ્રણ દર્શાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પાબીબેન અન્ય મહિલાઓ માટે પ્રેરણા સમાન: કચ્છની ભરતકળાને વૈશ્વિક સ્તરે નામના અપાવી

2017માં પાબીબેને પાંચ કારીગરો સાથે તેમના સફરની શરૂઆત કરી હતી અને આજે તેમણે સેંકડો મહિલાઓ માટે આર્થિક તકોનું સર્જન કર્યું છે. પાબીબેનનું હરી જરી વર્ક લોકપ્રિય છે, તો મોર, પતંગિયા, વૃક્ષ વગેરે કુદરતી ભાતના ટોટ બૅગ, સ્લિંગ બૅગ અને શોપિંગ બૅગ પણ લોકો પસંદ કરે છે. તેમની હસ્તકળા બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં પ્રદર્શિત થઈ છે અને સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ યોર્ક, ધ ટેક્સટાઇલ મ્યુઝિયમ, વોશિંગ્ટન ડીસી, તાજ ગ્રુપ ઑફ હોટેલ્સ, પીપલ ટ્રી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને સ્વીડનની ત્રણ વૈશ્વિક બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે. ખાસ તો, તેમણે ભરતકામ કરેલા કેડિયા અને કંજિરી રબારી પરંપરાને આધુનિક પેઢી સુધી પહોંચાડે છે.

હાલ કચ્છના અંજાર તાલુકામાં સ્થિત પાબીબેને પોતાના સાહસ થકી ગ્રામીણ સ્તરે ઉદ્યોગસાહસિકતાને ઉજાગર કરી છે અને કચ્છના સમૃદ્ધ ભરતકામના વારસાને વૈશ્વિક સ્તરે નામના અપાવી છે. પાબીબેને માત્ર કચ્છની જ નહીં, સમગ્ર રાજ્યની મહિલાઓને પ્રેરિત કરી છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપશે

આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પાબીબેન જેવી ઉદ્યમી મહિલાઓની સાફલ્યગાથાને પ્રકાશિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હેઠળ કુલ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સિસનો ઉદ્દેશ સ્થાનિક મહિલાઓને પરંપરાગત કૌશલ્યો અપનાવવા અને ટકાઉ આજીવિકા મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ રાજ્યની ઉદ્યોગસાહસિકતાને પ્રદર્શિત કરશે અને સર્જનાત્મકતાને નવી પાંખો આપશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now