સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી ચિત્રિણી નર્સિંગ કોલેજની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં GNM અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્ચનાબેન નાયકને ફી ન ભરવાના બહાને પરીક્ષા આપતા રોકવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ તથા પરીક્ષા કેન્દ્ર નિયામક ડૉ. નરેન્દ્ર શર્મા દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી.
વિદ્યાર્થીની સાથે અન્યાય થય!
આ મુદ્દાને યુવરાજસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા સમગ્ર શૈક્ષણિક વર્તુળમાં ચકચાર મચી હતી. વિદ્યાર્થીનીના ભવિષ્ય સાથે થયેલા આ અન્યાય અંગે GNC એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ ખાતે જઈને રજૂઆત કરવામાં આવી હતી.
પ્રિન્સિપાલ સામે કાર્યવાહી
આ સમગ્ર મામલો ચર્ચામાં આવતા પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ટ્રસ્ટી મંડળે વિધાર્થીઓના હિતમા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરી છે.પ્રિન્સિપાલ તથા પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ પરત લેવામાં આવ્યો છે. સાથો સાથ વિદ્યાર્થીનીને બાકી રહેલા પેપર આપવા મંજૂરી આપવામાં આવી છે. આવનારી પુરક પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીને ભાગ લેવાની તક મળશે તેમજ વિદ્યાર્થીનીનું ભવિષ્ય બગડે નહીં તે માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે