બનાસકાંઠા અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણા ગામો પૂર પ્રભાવિત થયા છે. શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લોકસભા સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે આ વિસ્તારની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારની નીતિઓ પર તીખા પ્રહારો કર્યા છે. ગેનીબેને જણાવ્યું કે, "સરહદી વિસ્તારના ચાર તાલુકાઓ વરસાદી પાણીના કારણે ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા છે. બહારનું પાણી આવતા ઘણા ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે."
''વરસાદ સરખો પણ સહાય...''
તેમણે એ પણ ઉમેર્યું કે "ગુજરાતના મુખ્યમંત્રી સ્થળ પર આવ્યા, પરંતુ માત્ર બે-ત્રણ ગામડાઓનો જ પ્રવાસ કર્યો. એવું લાગ્યું હતું કે હવે તો મુખ્યમંત્રી ખુદ નિરિક્ષણ કરે છે, તો તાત્કાલિક અને યોગ્ય મદદ મળશે, પણ એવું થયું નહીં." સહાય અંગે તેમણે કહ્યું કે, "કેશડોલ પણ માત્ર રૂ. 233 સહાય આપવામાં આવી છે, તે પણ દરેક પરિવારમાં માત્ર બે જ સભ્યોને. જ્યારે બધા વિસ્તારોમાં સરખો વરસાદ થયો છે, 17 થી 18 ઇંચ છતાં ત્રણમાંથી માત્ર વાવ તાલુકાના 50 ટકા ગામડાઓને જ સહાય આપવામાં આવી છે."
રાજકીય ભેદભાવનો આક્ષેપ
ગેનીબેને સહાય વિતરણમાં રાજકીય ભેદભાવ હોવાનો આક્ષેપ કરતાં કહ્યું, "જ્યાં ત્રણ લાખ પશુધન ગણાવવામાં આવ્યા છે એ માત્ર એક તાલુકામાં, જ્યારે બાકીના ત્રણ તાલુકાઓ મળીને પણ તેટલું જ ગણાયું છે. પશુપાલનનું નુકસાન, પાકોનો નાશ અને જમીન ધોવાણ થયાનું છતાં યોગ્ય સહાય નથી મળતી."
''વહીવટી તંત્ર પર કોઈ નિયંત્રણ નથી"
તેમણે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે, "જેઓ જવાબદાર છે, તેઓ પોતાનું કામ નથી કરતા, પણ બીજાને દોષી ઠેરવવા તત્પર છે. આવી રાજનીતિ દુઃખદ છે." અંતે ગેનીબેને વ્યથા વ્યક્ત કરી કે "હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારોનું સામાન્ય જીવન ક્યારે પાટા પર આવશે તે કહી શકાય નહીં, કારણ કે વહીવટી તંત્ર પર કોઈ નિયંત્રણ નથી"