ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સરળ સ્વભાવ અને વિકાસલક્ષી દૃષ્ટિકોણ દ્વારા રાજકીય ક્ષેત્રમાં એક વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે પાટીદાર નેતા તરીકે સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ પણ બના્વ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદ તરીકે સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે
ભૂપેન્દ્ર પટેલે પોતાની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલે વર્ષ 1987માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરી હતી. વર્ષ 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા અને પછી 1999-2000માં ફરી એકવાર આ જ પદે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન વિસ્તારના વિકાસકાર્યોને વેગ મળ્યો.
બોર્ડના વાઇસ ચેરમેન
2004થી 2006ની વચ્ચે તેઓ મેમનગરના પ્રમુખપદે રહીને લોકસેવાને વધુ મજબૂતી આપી, ત્યારબાદ તેઓ 2008થી 2010 સુધી અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહ્યા હતા.
AUDAના ચેરમેન
ભૂપેન્દ્રભાઈએ 2010થી 2015 દરમિયાન થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. પછી 2015થી 2017 દરમિયાન તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ના ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા, જ્યાં તેમણે શહેરના ઢાંચાકીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
2017માં ધારાસભ્ય બન્યા
ભાજપે તેમના કાર્ય અને પ્રતિષ્ઠાને માન આપીને 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી, જ્યાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.
13 સપ્ટેમ્બર, 2021માં CM બન્યા
13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે પોતાની કામગીરી દ્વારા રાજયમાં શાંતિ, વિકાસ અને વહીવટી કાર્યોને નવી જ દિશા આપી હતી
2022ના રોજમાં CM તરીકે બીજીવાર શપથ લીધા
2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ઘાટલોડિયા બેઠક પરથી ફરી ભવ્ય વિજય હાંસલ કર્યો અને એકવાર ફરીથી પોતાનો લોકપ્રિય નેતા તરીકેના રોલને મજબૂત કર્યો. ત્યારબાદ 12 ડિસેમ્બર, 2022ના રોજ તેઓ બીજીવારમુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતાં
વિકાસના નવા ચહેરા તરીકે લોકોમાં વિશ્વાસ પામેલા નેતા
ભૂપેન્દ્ર પટેલે મૌન કાર્યશક્તિ, વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને વિજ્ઞતાપૂર્વકના વહીવટનું પ્રતિબિંબ તરીકે તેમની છબી ઉભી કરી છે. આજે તેઓ ગુજરાતના વિકાસના નવા ચહેરા તરીકે લોકોમાં વિશ્વાસ પામેલા નેતા છે.