CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કોઈ રીતે એક સામાન્ય કોર્પોરેટરમાંથી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને કઈ રીતે છેલ્લાં ચાર વર્ષોમાં તેમણે ગુજરાતનું શાસન ચલાવ્યું તે પણ જાણવા જેવું છે. દાદાના સંઘર્ષથી સિદ્ધિ સુધીની આ સફર વિશે જાણીએ.
15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં જન્મેલાં અમદાવાદની ગર્વમેન્ટ પોલિટેકનિકમાંથી સિવિલ ઈજનેરનો અભ્યાસ કર્યો. વર્ષ 1987માં ભાજપમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ.1995-96 નગર પાલિકાના સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન બન્યા. એટલું જ નહીં તેઓ બે ટર્મ મેમનગર પાલિકાના પ્રમુખ પણ રહ્યાં. વર્ષ 2008 અને 2010 સુધી એએમસી સ્કૂલ બોર્ડ વાઈસ ચેરમેન રહ્યાં. 2010-15 તેમણે થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015 અને 2017 દરમિયાન દાદાએ ઔડાના ચેરમેન તરીકે પણ સેવા આપી.
ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને નસીબ બદલાયુંઃ
વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં અને ગુજરાતની વિકાસ યાત્રાની શાસન ધૂરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ભારે મતોથી જીત્યા. 12 ડિસેમ્બર 2022ના રોજ દાદાએ સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં.
કઈ રીતે બન્યા મુખ્યમંત્રી?
એવું કહેવામાં આવે છેકે, જ્યારે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી અને હોલમાં પોતાના નેતા તરીકે એક નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ભૂપેન્દ્ર પટેલને બિલકુલ ખ્યાલ નહોંતો કે તેમના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત થશે. બીજી એક વાત એવી પણ કહેવામાં આવે છેકે, સીએમ તરીકે તેમનું નામ જાહેર થાય તે પહેલાં એકવાર દાદાને દિલ્લીના દરબારમાં બોલાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને હાઈકમાન્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે મોટી જવાબદારી માટે તૈયાર રહેજો. આગામી દિવસોમાં તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે. જોકે, શું જવાબદારી આપવાની હતી તેની તેમને જાણ નહોંતી.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિઃ
દાદાના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર આચારતા 50 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર સર કરનાર ભૂપેન્દ્ર પટેલે સેવા દાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વના 4 વર્ષ ભૂપેન્દ્ર પટેલે પુરા કર્યા. આ ચાર વર્ષ સેવા, સમર્પણ, સુશાસન, નીતિ નિર્ધારણના રહ્યાં છે.
દાદાના રાજમાં આ સેકટરમાં ગુજરાતની હરણફાળઃ
પીએમ મોદીએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે. તેને ભૂપેન્દ્ર પટેલ સતત આગળ ધપાવી રહ્યાં છે. તેમના કાર્યકાળમાં ભૂપેન્દ્ર પટેલે જનજન સુધી વિકાસનો લાભ પહોંચાડ્યો છે. દાદાના નેતૃત્વમાં ખાસ કરીને ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડકટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા સેકટર્સમાં ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. દાદાના રાજમાં ગત ચાર વર્ષોમાં ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો અને અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે.