પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ (GFL) ફેક્ટરીમાં ગત 10 સપ્ટેમ્બર, 2025ના રોજ ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 13 કામદારોને ગેસના ગળતરા કારણે તાત્કાલિક અસર થઈ હતી. ઘટનાને લઈ જિલ્લાભરમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જે ઘટના મામલે કંપનીએ સહાયની જાહેરાત કરી છે.
GFL કંપનીએ સહાયની મોટી જાહેરાત કરી
હવે GFL કંપની તરફથી આ દુખદ ઘટનાને પગલે પીડિત પરિવારજનો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે મૃતકના દરેક પરિવારને રૂપિયા 30 લાખની સહાય આપવામાં આવશે. આ સાથે કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે મૃતક કર્મચારીઓને મળવા પાત્ર તમામ પ્રકારની વીમાની રકમ અને અન્ય નાણાકીય લાભો પણ પૂરા પાડવામાં આવશે.
અસરગ્રસ્ત કામદારોના હોસ્પિટલ ખર્ચ કંપની ઉઠાવશે
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, ગેસ લીકેજના કારણે ઈજા પામેલા તમામ કામદારોના સારવારના તમામ ખર્ચની જવાબદારી કંપની ઉઠાવશે અને સમગ્ર ખર્ચ GFL કંપની દ્વારા જ ચૂકવવામાં આવશે. GFL ફેક્ટરીમાં બનેલી આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ કંપની દ્વારા લીધેલા સહાનુભૂતિપૂર્ણ પગલાં અને જવાબદારીભર્યુ વલણ પ્રશંસનીય ગણાવી શકાય તેમ છે.