Dudhdhara Dairy Election: ભરૂચ જિલ્લાના દૂધધારા ડેરીની આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 6 ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
6 ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા
આ ઉમેદવારોએ પ્રદેશ ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે, એટલે કે પાર્ટીની મંજૂરી વગર ઉમેદવારી નોંધાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેનાં પગલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યવાહી કરી છે અને હેમતસિંહ રાજ, જગદીશ પટેલ, જીગ્નેશ પટેલ, નટવરસિંહ પરમાર, શાંતાબેન પટેલ અને વિનોદ પટેલને પક્ષમાંથી બરતરફ કર્યા છે.
ભાજપમાં આંતરિક વિવાદ
દૂધધારા ડેરીની ચૂંટણી માટે અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને તથા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યો હતો. છતાં કેટલાક સભ્યોએ ઉમેદવારી દાખલ કરી, જે પાર્ટીશિસ્તના વિરુદ્ધ ગણી ભાજપે સસ્પેન્ડ કર્યા છે. આ પગલાંથી ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ઉથલપાથલ શરૂ થઈ છે.
19 સપ્ટેમ્બર ચૂંટણી
19 સપ્ટેમ્બર, 2025ના રોજ ડેરીની ચૂંટણી યોજાનાર છે, ત્યારે હાલની સ્થિતિએ, મતદારો અને ડેરી સભ્યો વચ્ચે પણ રસપ્રદ ચર્ચા છે કે સસ્પેંડ થયેલા ઉમેદવારોની આ ચળવળ ચૂંટણીના પરિણામોને કેટલું અસર કરશે.