logo-img
Union Minister Amit Shah Inaugurated The Girls Hostel At Sardar Dham

''....સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય'' : કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરદાર ધામ ખાતે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કર્યું

''....સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય''
Published by: Offbeat Team
| Last Updated: Sep 14, 2025, 01:26 PM IST

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે સરદાર ધામ ખાતે ફેઝ-2 કન્યા છાત્રાલય તથા રૂ. 100 કરોડની ‘દીકરી દત્તક યોજના’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ પ્રસંગે સરદાર ધામ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. વધુમાં તેમણે સરદાર ધામના તમામ ટ્રસ્ટીઓ સાથે સીધો સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં સરદારધામની ભૂમિકા અંગે સવિશેષ ચર્ચા પણ કરી હતી.

''....સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય''

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સમાજને ઉલ્લેખી જણાવ્યું હતું કે, દરેક સમાજ આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય છે. આ સમાજે સ્થાપેલા ધંધા, રોજગાર, ટ્રાન્સપોર્ટેશન દરેક વિષય અભ્યાસનો છે, કે તેમાં વર્ષો સુધી વર્ચસ્વ કેવી રીતે સ્થાપિત કરી શકાય. વધુમાં, પટેલ સમાજનું સમગ્ર ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

''...તે ખૂબ આનંદની વાત છે''

મંત્રીએ કન્યા છાત્રાલયની શરૂઆતને ખૂબ જ ઉમદા કાર્ય જણાવતા ઉમેર્યું હતું કે, દીકરીઓને હોસ્ટેલમાં મુકતા મા બાપ ગભરાય છે, ત્યારે પોતાના સમાજ દ્વારા જ્યારે આવી સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અંતરિયાળ ગામડાઓમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર આવી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકાર કરે તો ખરેખર રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ થતા કોઈ અટકાવી શકે નહીં. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સરદાર ધામની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આ અદભૂત સંગઠન થકી 3 હજાર દીકરીઓ અને 2 હજાર દીકરાઓ ભણીને સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયથી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી કલ્પના જમીન ઉપર આબેહુબ ઉતરી છે, તે ખૂબ આનંદની વાત છે.

વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું

પોતાના જીવનના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ થકી દીકરીઓ મજબૂત બની શકે તે માટેના સમાજના પ્રયત્નની સરાહના કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, તેમના 40 વર્ષના જાહેર જીવનમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી, છાત્રાલયની મુલાકાત કરી છે, જેમાંથી સરદાર ધામ ખાતે કરવામાં આવેલી છાત્રાલયની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સુવિધાયુક્ત છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ. જેથી આ યુવા પેઢી માતૃભાષા શીખી, સમાજની તળપદી ભાષા સમજી શકે અને ભવિષ્યમાં સમાજસેવા સરળતાથી કરી શકે. આ ઉપરાંત મંત્રીએ સંસ્થાની ઈ-લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બને તે માટે અન્ય લાઇબ્રેરીઓ સાથે ઓનલાઇન કનેક્ટ થઈ, વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું હતું. જેના પરિણામે UPSC અને GPSCની ટ્રેનીંગ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે.

''દાતાઓને પણ અભિનંદન પાઠવું છું''

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી થવા જઈ રહી છે, તેવા લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતાના વારસદાર હોવાના ગર્વ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ સ્ત્રી સશક્તિકરણ વગર સંભવ નથી. જેથી સરદારધામે 3 હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આ ઉપરાંત દીકરીઓ માટે રૂ. 100 કરોડની ‘દત્તક દીકરી યોજના’નું પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સમાજના શ્રેષ્ઠ દાતાઓ દ્વારા દીકરીઓનું ભવિષ્ય ઉજવળ બને છે, તે માટે દાતાઓને પણ અભિનંદન પાઠવું છું.


વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સફળ નેતૃત્વમાં દેશની સીમા અને સુરક્ષા બંને મજબૂત બની છે. જે અંતર્ગત તા. 31 માર્ચ 2026 સુધીમાં નક્ષલવાદનો સંપૂર્ણ અંત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ 2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની, સ્વદેશી અપનાવતા આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ આવા નાના નાના વિકાસ કાર્યો થકી રાષ્ટ્રીય નિર્માણ અને વિકસિત ભારતમાં સહયોગ આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સરદાર ધામના પ્રમુખ રવજીભાઈ સુતરીયા દ્વારા મહાનુભાવોનું સરદાર ધામના 1041 ટ્રસ્ટીઓ વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા સરદાર ધામના ભવિષ્યના આયોજન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now