મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ સાંસદ પરબત પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી.
અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિને પગલે માત્ર માનવજાત જ નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ હતી.જેને લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ હતી. આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલ જીવના વ્હારે ઉભી રહી છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે.
સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે. આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભો મિલાવીને કાર્ય કરી રહી છે. લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે. હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે.
સુઈગામ તાલુકાના જેલાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ કાનજી ભીખાજી રાજપૂતે અને પશુપાલકોએ તંત્ર અને સરકારનો આભાર પ્રગટ કરતાં કહ્યું કે, અમારા ગામમાં તંત્ર દ્વારા ઘાસનુ વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે, ખૂબ સારી રીતે કોઇપણ ભેદભાવ વિના પશુ પાલકોને ઘાસ આપવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટર, ટ્રોલી અને ઉંટલારી જેવા સાધનોમાં ઘાસ વિતરણ સરળતાથી થઈ રહ્યું છે. સરકારે માણસો સાથે પશુઓ ની પણ ચિંતા કરી તેમના ઘાસચારા ની વ્યવસ્થા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર.