આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છેલ્લા 14 દિવસથી ઘેડ વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ યાત્રાનો ઉદ્દેશ ઘેડની પીડા અને લોકોની વેદના ઉજાગર કરવાનો છે. પદયાત્રાના 11મા દિવસે પ્રવીણ રામ જામનગર જિલ્લાના ઘેડ વિસ્તારમાં આવેલા પાદરડી ગામે પહોંચ્યા, જ્યાં તેમણે તંત્ર અને રાજ્ય સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.
પ્રવીણ રામે સરકાર પર કર્યા આક્ષેપ
તેમણે જણાવ્યું કે, પાદરડી ગામ પાસેની નદી પર આવેલો પુલ બે વર્ષ પહેલા તૂટી ગયો હતો, અને આજ સુધી તેનો નવો પુલ બનાવવામાં આવ્યો નથી કે તૂટેલો પુલ મરામત પણ થયો નથી. પ્રવીણ રામે આક્ષેપ કર્યો કે "ખેડૂતો અને ગ્રામજનો અનેકવાર રજૂઆતો કર્યા છતાં ન તો કોઈ અધિકારી સ્થળ પર આવ્યો છે, ન તો કોઈ ભાજપના નેતાઓએ સંવેદનશીલતા દર્શાવી છે."
''જીવન જોખમમાં નદી પસાર કરે છે''
તેમણે વીડિયો ઉતારી કહ્યું કે, ''પરિણામે હાલની પરિસ્થિતિ એવી છે કે, ગ્રામજનોએ પોતે નદીના બે કાંઠે વાયર બાંધીને ટાયર પર જીવન જોખમમાં નદી પસાર કરવાની વ્યવસ્થા કરી છે. મહિલાઓ, બાળકો અને ઘાસચારો વહન કરતા લોકો પણ આ જ ઉપાય અપનાવવા મજબૂર બન્યા છે''.
''કેવી પ્રગતિ અને કેવું વિકાસ મોડલ છે?''
આ સમસ્યાની ગંભીરતા દર્શાવવા માટે પ્રવીણ રામે જીવને જોખમમાં નાખીને વાયરમાં લટકી ટાયર ઉપર બેસી નદી પાર કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે "આઝાદી બાદ વર્ષો પછી પણ જો ગુજરાતમાં લોકોને આવું કરવા મજબૂર થવું પડે તો એ કેવી પ્રગતિ અને કેવું વિકાસ મોડલ છે?"