ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં 13 સપ્ટેમ્બરે સુશાસનના 4 વર્ષ પૂર્ણ કર્યા. મુખ્યમંત્રીએ આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારતાં મહિલા સશક્તિકરણ અને માતૃ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા 4 વર્ષંમાં માતા અને બાળ આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આમાં રાજ્યની નમો યોજનાનો મહત્વપૂર્ણ ફાળો છે. આ યોજનાએ દરેક વર્ગની સગર્ભા સ્ત્રીઓ અને માતાઓનું આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત કર્યું છે.
નમો શ્રી યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની એક છે, જે ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવી હતી. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં આ યોજના 6 લાખ 21 હજારથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચી છે, જેમને ₹354 કરોડથી વધુની નાણાકીય સહાય સીધી તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. જો નોંધણીની વાત કરીએ, તો માત્ર દોઢ વર્ષમાં 7 સપ્ટેમ્બર 2025 સુધી રાજ્યની લગભગ 11 લાખ મહિલાઓ નમો યોજના હેઠળ નોંધણી કરાવી ચૂકી છે.
પોષણથી આર્થિક સશક્તિકરણ સુધી, નમો શ્રી યોજના શું છે?
નમો શ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પહેલા બે જીવિત બાળકો માટે તબક્કાવાર ₹12,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે કેન્દ્રની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અને જનની સુરક્ષા યોજના (JSY) યોજનાઓના લાભો સાથે સંયુક્ત રીતે પૂરી પાડવામાં આવે છે. પ્રથમ ગર્ભાવસ્થામાં ચાર તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવે છે: નોંધણી પર ₹5,000 (રાજ્ય ₹2,000 + કેન્દ્ર ₹3,000), ગર્ભાવસ્થાના છ મહિના પછી ₹2,000 (રાજ્ય), સંસ્થાકીય પ્રસૂતિ પછી તરત જ ₹3,000 (રાજ્ય) અને 14મા અઠવાડિયાના રસીકરણ બાદ ₹2,000 (કેન્દ્ર સરકાર દ્વારા).
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી ગર્ભાવસ્થા માટે સહાયની પ્રક્રિયા થોડી અલગ છે. આમાં, રાજ્ય સરકાર નોંધણી સમયે ₹2,000, છ મહિનાની ગર્ભાવસ્થા બાદ ₹3,000, સંસ્થાકીય પ્રસૂતિ પછી ₹6,000 (છોકરી હોય તો કેન્દ્ર તરફથી સહાય અને છોકરો હોય તો રાજ્ય સરકાર તરફથી સહાય) અને 14મા અઠવાડિયાના રસીકરણ બાદ રાજ્ય સરકાર ₹1,000 આપે છે.
નમો યોજના માટે અરજીની પ્રક્રિયા શું છે?
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી નમો શ્રી યોજનાના લાભો હવે મહિલાઓ સુધી વધુ સરળ અને પારદર્શક રીતે પહોંચી રહ્યા છે. આ અંતર્ગત સગર્ભા મહિલાઓની નેંધણી આરોગ્ય કેન્દ્રથી માંડીને પ્રાદેશિક સ્તર સુધી રાજ્ય સ્તરના TeCHO+ પોર્ટલ પર કરવામાં આવે છે, જ્યાં લાભાર્થીને સંબંધિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ આ દસ્તાવેજોની ચકાસણી આરોગ્ય કેન્દ્ર અને તાલુકા સ્તરે કરવામાં આવે છે અને અંતિમ પુષ્ટિ રાજ્ય સ્તરે PFMS સિસ્ટમના માધ્યમથી થાય છે. આ પછી લાભાર્થી મહિલાના બૅન્ક ખાતામાં રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા કરવામાં આવે છે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયાએ મહિલાઓને સમયસર યોજનાનો લાભ મળે અને પારદર્શિતા જળવાય એ સુનિશ્ચિત કર્યું છે.
2013થી 2023 દરમ્યાન ગુજરાતમાં માતા મૃત્યુ દર (MMR)માં 54.5%નો ઘટાડો
ગુજરાતમાં 2013થી 2023 દરમ્યાન એટલે કે 10 વર્ષમાં માતા મૃત્યુ દર (MMR) 112 પ્રતિ 1,00,000 જીવિત જન્મની સરખામણીમાં 54.5% ઘટીને વર્તમાનમાં (2023 સુધીના ડેટા મુજબ) 51 પ્રતિ 1,00,000 જીવિત જન્મ સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતની સ્થિતિ વધુ સારી છે. હાલમાં ગુજરાતનો MMR 51 છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 88 છે. તો રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં ગુજરાતે UN SDGના 2030 સુધીમાં માતા મૃત્યુ દરને 70થી નીચે લાવવાના લક્ષ્યને સમય પહેલાં જ હાંસલ કરી લીધું છે.
નોંધનીય છે કે, આ અસરકારક પરિણામો કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનું સંયુક્ત પરિણામ છે. ગુજરાતમાં નમો યોજનાની સાથે, SUMAN, PMSMA, મમતા, ખિલખિલાટ જેવી યોજનાઓ પણ સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણનું ધ્યાન રાખી રહી છે.