Vadodara Panigate Police Station: વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કસ્ટડીમાં રહેલા આરોપી રમેશ છગનભાઈ વસાવાએ આત્મહત્યા કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જીવન નગર વુડા વિસ્તારના રહેવાસી રમેશ વસાવાએ પોતે પહેરેલા સ્વેટરના દોરાનો ઉપયોગ કરીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
લોકઅપમાં આત્મહત્યાનું પગલું
મળતી માહિતી પ્રમાણે, રમેશ વસાવાની પત્ની સાથે બોલાચાલી થયા બાદ પત્નીને માર મારવાના આક્ષેપ હેઠળ પાણીગેટ પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. લોકઅપમાં રાખવામાં આવ્યા બાદ તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું, જેનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે BNS કલમ 176 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ લોકઅપમાં જ આપઘાત કર્યો હોવાનું જણાયું છે, પરંતુ કોઈ બેદરકારી થઈ છે કે કેમ તે અંગે ઊંડી તપાસ ચાલુ છે.
પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા
મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે કસ્ટડી દરમિયાન મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે આત્મહત્યા થઈ હોઈ શકે છે. આ આરોપોને ધ્યાનમાં રાખીને તપાસ વધુ સંવેદનશીલ બનાવવામાં આવી છે.
FSL દ્વારા પણ તપાસ કરાવવામાં આવશે
પાણીગેટ પોલીસ સ્ટેશનના PI અલ્પેશ પટેલે જણાવ્યું કે, “આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો છે. ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા છે, જેના ફૂટેજની તપાસ થશે. FSL દ્વારા પણ તપાસ કરાવવામાં આવશે.” મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા આવશે. પોલીસે ભરોસો આપ્યો છે કે કાયદેસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને સત્ય બહાર લાવવામાં આવશે. આ ઘટના હાલ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.





















