Home Gujarat Botad Barwala Firecracker Factory Blast Death Injured Gujarat

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ : 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 06:48 AM IST

બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકામાં ભયાનક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ સાથે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના બરવાળા તાલુકાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીના એક રૂમમાં કાચું (રો) મટીરીયલ સંગ્રહિત હતું, જેમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઈજાગ્રસ્તોના શરીરના ભાગો દૂર સુધી ખેતરમાં ફેંકાઈ ગયા હતા. ફેક્ટરીના પતરા પણ અંદાજે 100 મીટર દૂર જઈ પડ્યા હતા, જેનાથી બ્લાસ્ટની તીવ્રતા સ્પષ્ટ થાય છે.
આ ઘટનામાં ફેક્ટરી માલિક સહિત 3 પુરુષો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક મજૂરનું સ્થળ પર જ મોત થયું, જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક મજૂરને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને બોટાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ બરવાળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયર એસ્ટીંગ્યુશર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now