વિસનગર શહેરમાં ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. શહેરના ગેલેક્સી માર્કેટ વિસ્તારમાં નિતીનજી ઠાકોર નામના યુવાન પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે. જો કે, આ મારામારી કરનાર શખ્સોને દબોચી લીધા છે.
લોખંડની પાઈપ અને ગડદાપાટુ, આક્રમક હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ, નિતીનજી ઠાકોર પર હુમલાખોરોએ પહેલું માથાના વાળ પકડીને લોખંડની પાઈપ અને ગડદાપાટુથી અક્રમક રીતે હુમલો કર્યો હતો. હુમલાથી તેમના હાથમાં ફ્રેક્ચર થયું છે અને હાલ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે નિતીનજી ઠાકોરે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે રાવત ચંદ્રપ્રકાશ ઉર્ફે ભુરા સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ પાંચેય શખ્સો વિસનગરના રહેવાસી હોવાનું જણાયું છે.
પોલીસે કાર્યવાહી હાથધરી
વિસનગર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં આ હિંસક ઘટનાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, અને નાગરિકોએ હુમલાની કડક નિંદા કરી છે. પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે કે ઘટનાની પાછળનું સાચું કારણ શું છે.