સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્ર દ્વારા શહેરની વચ્ચે આવેલા રેલવે ફાટક પર અંદાજે પાંચ વર્ષ પહેલાં રૂપિયા 40 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજ બન્યાના પાંચ વર્ષમાં જ બ્રિજના પિલરો જર્જરીત બની ગયા છે અને પિલરોમાંથી પોપડા પડીને સળિયા બહાર આવી ગયા છે. જેના કારણે આ બ્રિજ પર ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય છે.
સુરેન્દ્રનગર શહેરમાં ગેટ સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટકે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકા અને તંત્ર દ્વારા વર્ષ 2019 માં 40 કરોડથી વધુના ખર્ચે આ રેલવે ફાટક પર શહેરનો સૌપ્રથમ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.
આ બ્રિજ સુરેન્દ્રનગર શહેરને 80 ફુટ રોડ તેમજ વઢવાણ સાથે જોડે છે. આ ઉપરાત લીંબડી, વિરમગામ, રાજકોટને ધ્રાંગધ્રા અને કચ્છ સાથે જોડતો હોવાથી અહીંથી આવતા ભારે વાહનો પણ આ બ્રિજ પરથી પસાર થાય છે.
આ બ્રિજ લોક ઉપયોગ માટે શરૂ કર્યાને માંડ પાંચ વર્ષ જેટલો સમય થયો છે. ત્યારે હવે બ્રિજના પિલરો જર્જરિત બની ગયા છે અને પિલરમાંથી પોપડા પડી રહ્યા છે. એટલું જ નથી પરંતુ સળિયા પણ બહાર આવી ગયા છે. જેના કારણે બ્રીજની નીચેથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે.
આ બ્રિજ શરૂ થયો ત્યારથી અત્યારસુધીમાં બ્રિજ પર અંદાજે ચાર વાર ગાબડા પડતા સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ પિલર જર્જરીત બનતા મોટી દુર્ઘટના કે અકસ્માત થવાની શક્યતા છે.
સામાન્ય રીતે કોઈ પણ પુલ કે બ્રીજ બનાવવામાં આવે તો તેનું આયુષ્ય ઓછામાં ઓછું 40 થી 50 વર્ષ હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ ફક્ત પાંચ વર્ષમાં જ જર્જરીત બનતા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાણે ગંભીરા બ્રીજ દુર્ઘટના જેવી ગંભીર દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે.