સુરત શહેરની SOGએ ગોલ્ડ સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે અમદાવાદથી સુરત આવેલા એક રત્નકલાકારને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 239.5 ગ્રામ સોનાનો પાઉડર કબજે થયો છે, જેની કિંમત અંદાજે રૂ. 26.34 લાખ થાય છે.
મુખ્ય ખુલાસો
આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે સમગ્ર રેકેટની માસ્ટર માઇન્ડ સુરતની રહેવાસી મહિલા નિરાલી રાજપૂત છે, જે હાલ દુબઇમાં રહીને આ ગેરકાયદે ધંધો ચલાવે છે.
સ્મગલિંગની પદ્ધતિ
દુબઇમાં સોનાને ઓગાળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવામાં આવતું હતું. ત્યારબાદ તેમાં એક્વા રિજિયા નામનું કેમિકલ મિક્સ કરીને એરપોર્ટના આધુનિક મેટલ ડિટેક્ટરને પણ ચકમો આપવામાં આવતો. આ પ્રવાહી સોનાને બેગની રેક્ઝીન અને રબરની શીટ વચ્ચે સ્પ્રે કરવામાં આવતું હતું, જેથી ચેકિંગ દરમિયાન તે સરળતાથી બહાર આવી શકતું ન હતું.
આરોપી ઝડપાયો
દુબઇથી આવી રહેલો ભાવિક કતારિયા (ઉંમર 22, રહે. ડભોલી, સુરત) નામનો રત્નકલાકાર ગોલ્ડ લઈ સુરત આવી રહ્યો હતો. SOGએ વોચ ગોઠવીને તેને સુરત રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો.
રેકેટના અન્ય શખ્સો
તપાસમાં જાણવા મળ્યું છે કે માસ્ટર માઇન્ડ નિરાલી રાજપૂત સિવાય સુરતનો અમિત સોની પણ આ રેકેટમાં સંડોવાયેલો છે. આ ઉપરાંત આરોપી અક્રમ અમદાવાદથી ભરૂચ ભાગી ગયો છે, જેને ઝડપવા માટે પોલીસે તલાશ શરૂ કરી છે.
કમાણીનો ખેલ
પોલીસ અનુસાર, એક કરોડ રૂપિયાના ગોલ્ડના સ્મગલિંગમાં આશરે 15 લાખનો નફો થતો હતો. ભાવિક કતારિયા અગાઉ પણ 3 વખત ગોલ્ડ સ્મગલિંગ કરી ચૂક્યો છે, જોકે તેના વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયો નહોતો.
પોલીસની કાર્યવાહી
પોલીસે કુલ 27.05 લાખનો મુદ્દામાલ (239.5 ગ્રામ સોનું, મોબાઈલ અને બેગ) કબજે કર્યો છે. આરોપી ભાવિક કતારિયા સહિત નિરાલી રાજપૂત અને અમિત સોની વિરૂદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.