વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં બે પોલીસકર્મીઓએ ફરજનો દુરુપયોગ કરીને આંગડિયા પેઢીની રોકડ ભરેલી કાર રોકી અને જેમાંથી રૂપિયા 50 લાખની તોડબાજી કરી હતી.
વડોદરા પોલીસના બે કોન્સ્ટેબલોનો તોડકાંડ
મળતી માહિતી મુજબ, લખનૌથી રાજકોટ જઈ રહેલી એક આંગડિયા પેઢીની કારમાં કુલ રૂ. 3.50 કરોડની રોકડ હતી. જ્યારે આ કાર વડોદરાના છાણી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે છાણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલઆરડી (LRD) પોલીસકર્મી શ્રવણ વાઘેલાએ કારને અટકાવી તપાસ શરૂ કરી હતી. તપાસના બહાને બંને પોલીસકર્મીઓએ 50 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
બંને પોલીસકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ
જ્યારે આ સમગ્ર મામલે છાણી પોલીસ મથકના PIને જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક રીતે પગલાં લીધા અને બંને કોન્સ્ટેબલો તોડ કરેલા રૂપિયા પરત અપાવ્યા હતા. આ મામલો ગંભીર હોવાના કારણે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને બંને પોલીસકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.