વડોદરા શહેરમાં રહેતી 34 વર્ષીય મહિલાને લઘુમતી સમાજના યુવકે ખોટી ઓળખ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ત્રણ વખત ગર્ભવતી બનાવી હતી, તેમ છતા પણ સંબંધ ચાલુ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે તેણે યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યો છે
લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું
વડોદરાના દક્ષિણ વિસ્તારમાં રહેતી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી 34 વર્ષીય મહિલા 2023માં વાઘોડિયા ખાતે કેટરિંગના કામ અર્થે ગઈ હતી, ત્યારે તેની બહેનપણી થકી પ્રતિક પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. ત્યારે પ્રતિકે જણાવ્યું હતું કે, અમારે કેટરિંગ તથા ઈવેન્ટનું કામકાજ હોય તો તમને બોલાવીશ કહીને મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયો હતો. જે બાદ પ્રતિક પટેલ મહિલાના ઘરે ગયો હતો અને ત્યાં તેને લગ્નની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
તે ત્રણ વખત ગર્ભવતી બની હતી
આમ પ્રતિક પટેલ મહિલાને વારંવાર અજમેર દર્શન કરવા લઈ જઈને ત્યાં વિવિધ હોટલમાં રોકાઈને દુષ્કર્મ આચરતો હતો. અજમેરથી વડોદરા આવતી વખતે બસમાં મહિલાએ પ્રતિક પટેલનું ચૂંટણી કાર્ડ જોતા તેનો ફોટો પાડી લીધો હતો. જેના એક અઠવાડિયા બાદ પ્રતિક મહિલાને મળવા આવ્યો ત્યારે મહિલાએ તેને પોતાનું સાચુ નામ જણાવવા કહેતા તેણે પોતાનું નામ ઈકબાલ રસુલભાઈ પરમાર(રહે, ખેરડા ગામ, કરજણ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો, ત્યારે તે ગર્ભવતી પણ થઈ હતી. ત્યારે ઈકબાલ તેને રાવપુરા ખાતેની એક હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તેને મહિલાનું નામ તેની પત્ની તરીકે નોંધાવ્યું હતું. આમ તે ત્રણ વખત ગર્ભવતી બની હતી.
''તું મારી નહીં તો કોઈની પણ થવા નહીં દઉં''
ઈકાબાલે મહિલાને ધમકી આપી હતી કે, તું તારા માથાના વાળ કપાવી નાખ નહીં તો તારા પુત્રને મારી નાખીશ'. જેથી મહિલાએ ગભરાઈને પોતાના માથાના વાળ પણ કપાવી નાખ્યા હતા. ત્યારબાદ મહિલાએ ઈકબાલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. બાદમાં નવા નંબરથી ફોન કરીને ઈકબાલે કહ્યું કે, ''તું મારી સાથે સંબંધ રાખ, જેથી મહિલા સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેથી ઈકબાલે ગાળો આપીને કહેલ કે તું મારી નહીં તો કોઈની પણ થવા નહીં દઉં, હું તને ગમે ત્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મહિલાએ આખરે પોલીસ દાખલ કરી હતી.