ઉત્તરાખંડના જોશીમઠથી બદ્રીનાથ જતા માર્ગ પર ભૂસ્ખલન થતા મોટી સંખ્યામાં યાત્રીઓ ફસાયા છે. માહિતી મુજબ, કપડવંજ તાલુકાના અંદાજે 30 જેટલા પ્રવાસીઓ આ માર્ગ પર ફસાઈ ગયા છે. 15મી તારીખે મોડી રાત્રે ભારે વરસાદના કારણે અચાનક ભૂસ્ખલન થતાં જોશીમઠ-બદ્રીનાથ વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. પરિણામે આ માર્ગ પર અવરજવર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ. જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો.
માર્ગ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા
પ્રવાસીઓનું કહેવું છે કે, તેઓ ધર્મયાત્રા માટે ઉત્તરાખંડ આવ્યા હતા, પરંતુ માર્ગ બંધ થતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોઈ ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી યાત્રીઓને તકલીફો ભોગવવી પડી રહી છે. વરસાદ ચાલુ હોવાના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. પ્રવાસીઓએ વહેલી તકે રસ્તો ખુલ્લો કરવા પ્રશાસનને વિનંતી કરી છે.
માર્ગ ક્યારે ખુલશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી!
સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે, આ માર્ગ પર વારંવાર ભૂસ્ખલનની સમસ્યા સર્જાય છે, છતાં પ્રશાસન દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ વખતે પણ હજી સુધી મશીનરી કે કર્મચારીઓ તૈનાત ન થતાં માર્ગ ક્યારે ખુલશે તે અંગે અસ્પષ્ટતા છે.
કપડવંજના પ્રવાસીઓના પરિવારો ચિંતામાં
કપડવંજના પ્રવાસીઓના પરિવારો તેમના પ્રિયજનોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો યાત્રીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.