રેલ્વે સ્ટેશનનું નામ સાંભળતાં જ ભીડ, કતારો જેવી છબી મનમાં આવે છે, પરંતુ ચીને આ પરંપરાગત કલ્પનાને નવી શૈલી આપી છે. ચોંગકિંગ શહેરમાં બનાવવામાં આવેલું ચોંગકિંગ ઇસ્ટ રેલ્વે સ્ટેશન આજે વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન બની ગયું છે. સાઈઝ, ડિઝાઇન અને ટેકનોલોજી – ત્રણેય દ્રષ્ટિએ આ સ્ટેશન અદ્વિતીય છે.
170 ફૂટબોલ મેદાન જેટલું વિશાળ
આ સ્ટેશનનો કુલ વિસ્તાર લગભગ 12.20 લાખ ચોરસ મીટર છે, જે ન્યૂયોર્કના પ્રસિદ્ધ ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ કરતાં પાંચ ગણું મોટું છે. દરરોજ લગભગ 3.84 લાખ મુસાફરો અહીંથી ટ્રેન પકડે છે.
સ્થાનિક સંસ્કૃતિથી પ્રેરિત ડિઝાઇન
સ્ટેશનના પોલ હુઆંગજુ વૃક્ષોની જેમ બનાવાયા છે, જ્યારે એર કન્ડીશનીંગ યુનિટ કેમેલીયા ફૂલના આકારમાં છે. મોટી કાચની છત કુદરતી પ્રકાશ લાવે છે, જેથી અંદર હંમેશા તેજસ્વી અને હવાદાર વાતાવરણ રહે છે.
મુસાફરો માટે સુવિધાસભર વ્યવસ્થા
ત્રણ માળના આ સંકુલમાં 15 પ્લેટફોર્મ અને 29 ટ્રેક છે. મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે –
દર કલાકે 16,000 મુસાફરોની ક્ષમતા
ડિજિટલ બોર્ડ અને મલ્ટી-લેંગ્વેજ હેલ્પ સિસ્ટમ
હાઇ-સ્પીડ વાઇ-ફાઇ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ
ફૂડ ચેઇન જેવા McDonald’s, KFC તેમજ સ્થાનિક ભોજન
આરામદાયક બેઠક વ્યવસ્થા, સુરક્ષિત લોકર્સ અને વ્હીલચેર સુવિધા
સુરક્ષા માટે બાયોમેટ્રિક સ્કેનિંગ ટેકનોલોજી પણ સ્થાપિત છે.
હાઇ-સ્પીડ રેલનું મુખ્ય કેન્દ્ર
ચોંગકિંગ ઇસ્ટ સ્ટેશન ચીનના હાઇ-સ્પીડ રેલ નેટવર્કનું મહત્વપૂર્ણ હબ છે. અહીંથી બેઇજિંગ, શાંઘાઈ, શેનઝેન અને ગુઆંગઝુ જેવા મુખ્ય શહેરો સાથે કનેક્ટિવિટી છે. તાજેતરમાં શરૂ થયેલી ચોંગકિંગ-ઝાંગજિયાજી હાઇ-સ્પીડ ટ્રેન મુસાફરીનો સમય અઢી કલાક સુધી ઘટાડી દે છે.