નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે તાજેતરના Gen Z વિરોધ પ્રદર્શનોમાં એક ભારતીય નાગરિક સહિત 72 લોકો માર્યા ગયા છે. નેપાળના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયાના ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક વધીને 72 થયો છે. પોલીસ અને વહીવટી કર્મચારીઓ હિંસા દરમિયાન નુકસાન પામેલા શોપિંગ મોલ અને અન્ય ઇમારતોમાંથી મૃતદેહો કાઢવાનું ચાલુ રાખે છે.
નેપાળમાં Gen Z પ્રદર્શન
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા પ્રકાશ બુડાથોકીએ જણાવ્યું હતું કે, શોપિંગ મોલ, ઘરો અને અન્ય ઇમારતો જ્યાં આગ લગાવવામાં આવી હતી અથવા હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં માર્યા ગયેલા ઘણા લોકોના મૃતદેહ હવે મળી રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નેપાળમાં દાયકાઓમાં થયેલી સૌથી ભયાનક હિંસામાં ઓછામાં ઓછા 2113 લોકો ઘાયલ થયા છે. અનેક સરકારી ઇમારતો, દેશની સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, પોલીસ ચોકીઓ, વાણિજ્યિક સંસ્થાઓ તેમજ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત રાજકારણીઓના ખાનગી ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.
પોલીસ ગોળીબારમાં 19 લોકો મોત થયા હતા
તમને જણાવી દઈએ કે સોમવારે (8 સપ્ટેમ્બર)ના રોજ કાઠમંડુમાં સંસદ ભવનમાં થયેલા પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં 19 લોકો મોત થયા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. વિરોધ પ્રદર્શનો વચ્ચે મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. સોમવારના પ્રદર્શન દરમિયાન થયેલા મૃત્યુના વિરોધમાં સેંકડો વિરોધીઓ તેમના રાજીનામાની માંગણી સાથે તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા. ઓલીના રાજીનામા પછી પણ હિંસા ચાલુ રહી અને વિરોધીઓએ સંસદ, રાષ્ટ્રપતિ કાર્યાલય, વડા પ્રધાન નિવાસસ્થાન, સરકારી ઇમારતો, રાજકીય પક્ષના કાર્યાલયો અને વરિષ્ઠ નેતાઓના ઘરોમાં આગ લગાવી દીધી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળ પોલીસ દળ ધીમે ધીમે કાઠમંડુ ખીણમાં તેની કામગીરી ફરી શરૂ કરી રહ્યું છે, અને જ્યાં તોડફોડ અથવા આગચંપી થઈ હતી ત્યાં પોલીસ સ્ટેશનો અને ચોકીઓમાં ધીમે ધીમે કામ શરૂ થઈ રહ્યું છે.