અમેરિકન વકીલ માર્ક ઝકરબર્ગ માટે પોતાનું જ નામ સમસ્યા બની ગયું છે. અહીં વાત Metaના CEO વિશે નથી, પરંતુ એ જ નામ ધરાવતા એક સામાન્ય વકીલ વિશે છે. તેમણે મેટાના CEO સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વારંવાર ખોટા આરોપ લગાવીને તેમના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વારંવાર પ્રતિબંધ
વકીલ માર્ક ઝુકરબર્ગના જણાવ્યા મુજબ, છેલ્લા આઠ વર્ષમાં તેમના Facebook અને Instagram એકાઉન્ટ પાંચ વખત નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આને કારણે તેમને પોતાના વ્યવસાયમાં હજારો ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે.
દરરોજ 100થી વધુ ઇમેઇલ
તેમની મુશ્કેલીઓ ફક્ત એટલી નથી. દરરોજ તેમને 100 થી વધુ ઇમેઇલ મળે છે, જેમાં લોકો તેમને મેટાના CEO સમજીને સંપર્ક કરે છે. અહીં સુધી કે, જ્યારે તેઓ રેસ્ટોરન્ટમાં બુકિંગ કરે છે અને પોતાનું નામ કહે છે, ત્યારે ઘણી વાર સ્ટાફ તેને મજાક સમજીને કોલ કાપી દે છે.
કાનૂની લડત ચાલુ
વકીલ માર્કનું કહેવું છે કે માત્ર નામની સમાનતા હોવાથી તેમને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે તેમણે પોતાના હકો માટે કાનૂની લડત શરૂ કરી છે અને Metaના CEO સામે કેસ દાખલ કર્યો છે.